આમચી મુંબઈ

ફોરેક્સ અને ગૉલ્ડ ટ્રેડિંગમાં 200 કરોડ રૂપિયા પડાવવાના ઈન્ટરનૅશનલ રૅકેટનો પર્દાફાશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ફોરેક્સ અને ગૉલ્ડ ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે અનેક લોકો પાસેથી 200 કરોડ રૂપિયા પડાવવાના ઈન્ટરનૅશનલ સાયબર ફ્રોડ રૅકેટનો મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે પર્દાફાશ કર્યો હતો. વિદેશથી ઑપરેટ થતા આ રૅકેટમાં સંડોવાયેલા સાત મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવતાં તેમની આવા પ્રકારના 51થી વધુ કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રોશનકુમાર સિથારામા શેટ્ટી, સાબિર મોહમ્મદ ખાન, સનદ સંજીવ દાસ, રાહુલકુમાર ઉર્ફે કૈલાશ રાકેશકુમાર, આમિર કરમ શેરખાન, અભિષેક અનિલ નારકર ઉર્ફે ગોપલ અને મોહમ્મદ રશીદ ફકીર મોહમ્મદ બલોચ ઉર્ફે લકી તરીકે થઈ હતી.

આપણ વાચો: ડિજિટલ એરેસ્ટ ફ્રોડ: સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે 71 લાખ પડાવ્યા…

પોલીસના જણાવ્યા મુજબ મીરા રોડમાં રહેતી એક વ્યક્તિ સાથે થયેલા સાયબર ફ્રોડની તપાસમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસને મોટી સફળતા 12 નવેમ્બરે મળી હતી, જ્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પરના બાપાને ગાંવ ખાતેની એક લૉજિંગ ઍન્ડ બોર્ડિંગ પર રેઇડ પાડવામાં આવી હતી. એ સ્થળેથી પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ ટોળકી મેટ્રોમોનિયલ સાઈટ તેમ જ અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમથી નાગરિકોનો સંપર્ક સાધતી હતી. પછી ફોરેક્સ ટ્રેડિંગ અને ગૉલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચ આપવામાં આવતી હતી.

લલચામણી સ્કીમથી અંજાઈને રોકાણ કરવા ઇચ્છુક વ્યક્તિના મોબાઈલ ફોન પર આરોપીઓ બનાવટી વેબસાઈટ્સની લિંક મોકલાવતા હતા. લિંકના માધ્યમથી ઇચ્છુક વ્યક્તિને વ્હૉટ્સઍપ ગ્રૂપમાં પણ એડ કરવામાં આવતી, જેમાં રોકાણ સંબંધી વિગતો પૂરી પાડવામાં આવતી. બાદમાં બૅન્ક ખાતાંની વિગતો આપી તેમાં નાણાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતું.

આપણ વાચો: ‘ડિજિટલ અરેસ્ટ’ને નામે વૃદ્ધા પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવવા પ્રકરણે ત્રણ વેપારીની ધરપકડ…

આરોપીએ આપેલા બૅન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા પછી તરત જ એ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવતા. આરોપીઓનાં બૅન્ક ખાતાંની તપાસ કરતાં આ ટોળકી મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને નાગપુર સહિત દિલ્હી, ગુજરાત, તેલંગણા, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ બંગાળ અને ગોવા રાજ્યમાં નોંધાયેલા 51 કેસમાં સંડોવાયેલી હોવાનું જણાયું હતું.

આરોપીઓએ ભારતના વિવિધ રાજ્યોના રહેવાસીઓને છેતરીને 200 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. આ રૅકેટ વિદેશમાં વસતા બે નાગરિક દ્વારા ચલાવવામાં આવતું હોઈ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ નાયગાંવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button