ભારતીય નૌકાદળમાં સામેલ થશે INS IMPHAL, જાણો યુદ્ધજહાજની ખાસિયતો..

મુંબઇ: ભારતીય નૌકાદળ આવતીકાલે 26 ડિસેમ્બરે મુંબઇ ખાતે આવેલા સેનાના ડોકયાર્ડ પર એક નવા યુદ્ધજહાજને પોતાના બેડાંમાં સામેલ કરશે. સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ INS IMPHAL વિશાખાપટ્નમ ક્લાસનું ત્રીજું ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. મણિપુરની રાજધાની ઇમ્ફાલ પરથી યુદ્ધજહાજને INS IMPHAL નામ અપાયું છે.
20 ઓક્ટોબરે તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ તેને સેનાને સોંપી દેવામાં આવ્યું હતું. નવેમ્બર મહિનામાં આ યુદ્ધજહાજમાંથી એક્સટેન્ડેડ રેન્જવાળી સુપરસોનિક બ્રાહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પહેલી જ વાર વિધિવત રીતે સેનાના કાફલામાં સામેલ કરતા પહેલા જ કોઇ યુદ્ધજહાજમાંથી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ જંગી જહાજમાંથી નીકળનાર બ્રાહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી ફરીને દુશ્મનો પર હુમલો કરે છે.
આ યુદ્ધજહાજને સામેલ કર્યા બાદ ભારતીય નૌકાદળની તાકાતમાં અનેકગણો વધારો થઇ જશે. પશ્ચિમમાં પાકિસ્તાન તથા પૂર્વમાં ચીન, બંને બાજુ દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકાશે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન થયેલી ઇમ્ફાલની લડાઇમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં આ જહાજનું નામ INS IMPHAL રાખવામાં આવ્યું છે.
તેમાં 4 કવચ ડિકોય લોન્ચર્સ લાગેલા છે. તેના સિવાય રડાર અને કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવેલી છે. 32 બરાક, 8 મિસાઇલ, 16 બ્રહ્મોસ એન્ટી શીપ મિસાઇલ, 4 ટોરપીડો ટયુબ્સ, 2 એન્ટી-સબમરિન રોકેટ લોન્ચર્સ, 7 પ્રકારના ગન્સ લગાવેલા છે. સુરક્ષા માટે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોરફેર શક્તિ ઇડબલ્યુ સુઇટ અને કવચ ચૈફ સિસ્ટમ લગાવેલી છે.

INS IMPHAL માં 32 એન્ટી એર બરાક મિસાઇલો તૈનાત કરી શકાય છે જેની રેન્જ 100 કિમીની છે. તેમાં બરાક 8ER મિસાઇલો પર તૈનાત કરી શકાય છે જેની રેન્જ 150 કિમીની છે. 16 એન્ટી શીપ અથવા લેન્ડ એટેક બ્રાહ્મોસ મિસાઇલ લગાવી શકાય છે. આ જહાજની બનાવટમાં સેન્સર્સનો અદ્ભૂત ઉપયોગ કરવામાં આવે છે, જે દુશ્મનોના હથિયારો વિશે માહિતી આપી શકે છે. આ સેન્સર્સ એવા જહાજની અંદર એવા ભાગોમાં લગાવવામાં આવ્યા છે જેને દુશ્મનો નથી જોઇ શકતા. યુદ્ધજહાજની બનાવટ એ પ્રકારની છે કે જો જહાજના કેટલાક ભાગોમાં નુકસાન પહોંચે તો નુકસાન પામેલ ભાગ સિવાય આખું જહાજ કામ કરતું બંધ નહિ થાય.