એસીટોનથી ભૂંસાઈ રહી છે શાહી? મનસેના આરોપ અંગે બીએમસી કમિશનરે શું કહ્યું, જાણો?

મુંબઈ: BMC ચૂંટણી 2026ની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. નાગરિકો, નેતાઓ, ફિલ્મી કલાકારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મતદાન દરમિયાન મતદાતાની આંગળી પર કરવામાં આવતી શાહીનું નિશાન ભૂંસાઈ જવાની ફરિયાદ ઊઠી છે. જેને લઈને BMCની ચૂંટણીમાં ભાગ લેનાર MNSના ઉમેદવારે અવાજ ઉઠાવ્યો છે અને ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા છે.
આંગળી પરની શાહી ગાયબ થઈ
ફેક્ટચેકમાં સામે આવ્યું છે કે એસીટોનનો ઉપયોગ કરીને આંગળી પર કરવામાં આવેલી શાહી સંપૂર્ણપણે ગાયબ થઈ રહી છે. બીએમસી કમિશ્નર ભૂષણ ગગરાનીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. કલ્યાણથી મનસેના ઉમેદવાર ઉર્મિલા તાંબેએ સૌથી પહેલા શાહી ભૂંસાઈ જવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરમિયાન ઉર્મિલા તાંબેએ રાજ્ય ચૂંટણી પંચ પર સત્તાધારી પક્ષની મદદ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.”
ચૂંટણી પંચ જવાબદારી સ્વીકારે
શાહી ભૂંસાવાની ફરિયાદ અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે, “સવારથી મને સમગ્ર મહારાષ્ટ્રમાંથી ફોન આવી રહ્યા છે કે, મતદાન પ્રક્રિયામાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે. મતદાન બાદ આંગળી પર લગાવવાની શાહી પણ સરળતાથી ગાયબ થઈ રહી છે. તેથી મને લાગે છે કે, રાજ્ય ચૂંટણી પંચ આ માટે જવાબદાર હોવું જોઈએ.”
ઉદ્ધવ ઠાકરેએ આગળ જણાવ્યું કે, “મતદાન પ્રક્રિયામાં ભૂલો થઈ રહી છે તો તે આટલા વર્ષોથી શું કરી રહ્યા હતા? તે 9 વર્ષ બાદ BMC ચૂંટણી કરાવી રહ્યા છે. મને લાગે છે કે, તેમણે પોતાની રોજિંદી ગતિવિધિઓને જાહેર કરવી જોઈએ અથવા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓને તેમના કાર્યાલયમાં તૈનાત કરવા જોઈએ.”
ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું છે કે, સ્થાાનિક ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ 2012થી થઈ રહ્યો છે. આ કોઈ નવી પ્રક્રિયા નથી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ માર્કર પેનની પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જેના પર હવે પારદર્શકતાને લઈને સવાલો ઊઠી રહ્યા છે.



