ભિવંડીમાં શ્વાને કરેલા હુમલામાં ઘવાયેલી બાળકીનું મૃત્યુ: લોકોમાં રોષ
થાણે: ભિવંડીમાં રખડતા શ્ર્વાને કરેલા હુમલામાં ઘવાયેલી ચાર વર્ષની બાળકીનું એક મહિનાથી વધુ સમય જીવન સામે ઝઝૂમ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ભિવંડીના ન્યૂ આઝાદ નગર વિસ્તારમાં 8 જુલાઇએ આ ઘટના બની હતી. બાળકી લૈલા શેખનું મુંબઈની સાયન હોસ્પિટલમાં સોમવારે મૃત્યુ થયું હતું.
શ્ર્વાન હડકાયેલો હોવાની શંકા છે, જેણે બાળકો અને સિનિયર સિટિઝનો સહિત 40 લોકો પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ કોઇકે શ્ર્વાનને મારી નાખ્યો હતો.
આ પણ વાંચો: શોકિંગઃ મુંબ્રામાં પાંચમા માળેથી ડોગી પડ્યો અને બાળકીનું થયું મોત, વીડિયો વાઈરલ
આ કેસમાં લૈલા શેખના ચહેરા પર ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને સારવાર માટે ભિવંડીની આઇજીએમ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને બાદમાં થાણે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન લૈલાની તબિયત વધુ લથડતાં તેને મુંબઈની સાયન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.
દરમિયાન ઉશ્કેરાયેલા સ્થાનિકોએ દાવો કર્યો હતો કે ભિવંડી-નિઝામપુર પાલિકા શહેરમાં રખડતા શ્ર્વાનોની વસ્તીને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે વંધ્યીકરણ ઝુંબેશ તુરંત શરૂ કરવાની માગણી પણ કરી છે. (પીટીઆઇ)