ઈન્ડિગો પ્લેનની પાર્કિંગ બ્રેક ફેઈલ થઈ, મોટો અકસ્માત ટળ્યો
મુંબઈ: મુંબઈથી છત્રપતિ સંભાજીનગર જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટની પાર્કિંગ બ્રેક ફેઈલ થઈ ગઈ હોવાનું પાઈલટે જોતાં જ પ્લેનને સમયસર અટકાવી દેવામાં આવ્યું હતું અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સોમવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ આ ઘટના બન્યા બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
મુંબઈ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 150 મુસાફરો સાથે છત્રપતિ સંભાજીનગર માટે ‘ટેક ઓફ’ માટે તૈયાર હતી. પ્લેન રનવે પરથી ઉડવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે જ તેનું ટાયર ફાટ્યું હતું, તેથી તેને અટકાવી દેવામાં આવ્યું હતું. વિમાનના ટાયર બદલ્યા બાદ ફરીથી ઉડયન માટે તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ ટેક ઓફ કરતા પહેલા પાયલટે જોયું કે પ્લેનની પાર્કિંગ બ્રેક ફેલ થઈ ગઈ હતી. પાયલટે પેસેન્જરોને જરૂરી સૂચના આપ્યા બાદ પ્લેન રોક્યું હતું.
જેથી આગળની આફત ટળી હતી. પાયલોટે સાવચેતી દાખવતાં મોટી દુર્ઘટના ટળી હતી અને પ્લેનના મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
“એક જ સમયે પ્લેનમાં બે ખામી સર્જાઈ હતી. તે સમયસર ધ્યાનમાં આવતાં દુર્ઘટના ટળી હતી. જો ‘ટેક ઓફ’ કર્યા પછી ખામી ધ્યાનમાં આવી હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. જોકે, તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, એમ એક પેસેન્જરે જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ પણ આ વિમાનમાં સવાર હતા. તેઓ પણ સંભાજીનગર જઈ રહ્યા હતા.