મિઝોરમમાં ઘુસી આવેલા મ્યાંમારના 184 સૈનિકોને ભારતે પાછા મોકલ્યા
ગત 17 જાન્યુઆરીએ આંતરવિગ્રહને કારણે મિઝોરમમાં ઘુસી આવેલા મ્યાંમારની સેનાના 184 સૈનિકોને ભારતે પરત મોકલ્યા છે. મ્યાંમારમાં લાંબા સમયથી વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો અને મ્યાંમારની સેના વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે, જેનાથી બચવા માટે મ્યાંમારના સૈનિકોએ ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં શરણ લીધું હતું.
આસામ રાઇફલ્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે કુલ 184 સૈનિકોને મિઝોરમના લેંગપુઇ એરપોર્ટથી મ્યાંમાર પહોંચાડવા માટે મ્યાંમાર એરફોર્સના વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. એ પહેલા એક મ્યાંમારની સેનાનું એક વિમાન કે જે મ્યાંમારના સૈનિકોને લેવા માટે આવ્યું હતું તે લેંગપુઇ એરપોર્ટના રનવે પરથી લપસી જતા 6 સૈનિકોને ઇજા પહોંચી હતી. મ્યામાંરમાં અરકાન બળવાખોરોએ સેનાની છાવણીઓ પર કબજો કરી લેતા 100થી વધુ સૈનિકો મિઝોરમ-બાંગ્લાદેશની સરહદ બાજુ ભાગ્યા હતા. જે વિમાન રનવે પરથી લપસ્યું તે તેમને લેવા જ આવ્યું હતું.
અધિકારીઓ જણાવી રહ્યા છે કે મિઝોરમમાં કુલ 276 સૈનિકો આવ્યા હતા. જેમાંથી આજે 184ને મોકલી દેવાયા છે જ્યારે 92 સૈનિકોને પણ ટૂંક સમયમાં તેમના દેશમાં પરત મોકલી દેવામાં આવશે.
ગત વર્ષના ઓક્ટોબરથી જ મ્યાંમારમાં આંતરિક યુદ્ધની સ્થિતિ છે. પશ્ચિમ મ્યાંમારમાં અરકાન આર્મીના બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેમણે મ્યાંમારના એક જિલ્લા પર કબજો કરી લીધો છે. તેઓ સતત મ્યાંમારના લશ્કર પર હુમલો કરી રહ્યા છે અને સેનાની છાવણીઓને નષ્ટ કરી રહ્યા છે.