મુંબઈમાં ‘ઇન્ડિયન નેશનલ સિને એકેડમી’ની જાહેરાતઃ 12 ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ, ગુજરાતી સિનેમાને મળશે વૈશ્વિક ઓળખ

મુંબઈ: શહેરમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં ‘ઇન્ડિયન નેશનલ સિને એકેડમી’ (INCA)ની જાહેરાત સાથે ભારતીય મનોરંજન જગતમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં બોલીવુડ અને પ્રાદેશિક સિનેમા વચ્ચે જે અંતર જોવા મળતું હતું, તેને દૂર કરવા માટે આ સંસ્થા એક સેતુ તરીકે કામ કરશે. આ ઐતિહાસિક પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની 12 અલગ-અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને એક મંચ પર લાવીને ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો છે. આ લોન્ચિંગ ઈવેન્ટમાં દેશભરના દિગ્ગજ કલાકારો અને સર્જકોએ હાજરી આપી હતી.
ઈવેન્ટ દરમિયાન સ્ટાર્સ દ્વારા રસપ્રદ વાતો પણ શેર કરવામાં આવી હતી. ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીએ હળવા અંદાજમાં ફરિયાદ કરી કે તેમની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘સસુરા બડા પૈસાવાલા’ને આજ સુધી એક પણ એવોર્ડ મળ્યો નથી.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલની નવા વર્ષની ‘ટેક-ભેટ’, ગિફ્ટ સિટીમાં સ્થપાશે દેશનું પ્રથમ ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
તેવી જ રીતે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ પણ જણાવ્યું કે તેઓ વર્ષોથી હિટ ફિલ્મો બનાવી રહ્યા છે, પણ તેમને એવોર્ડ શોમાં માત્ર હોસ્ટ તરીકે જ બોલાવવામાં આવે છે, એવોર્ડ માટે નહીં. INCA દ્વારા આગામી 9 માર્ચના રોજ મુંબઈમાં પ્રથમ એવોર્ડ શો યોજાશે, જેમાં તમામ ભાષાના કલાકારોનું સન્માન કરાશે.
ગુજરાતી, મરાઠી ઈન્ડસ્ટ્રીનો પણ સમાવેશ
INCA માત્ર હિન્દી સિનેમા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ જેવી દક્ષિણ ભારતની ચાર મોટી ઇન્ડસ્ટ્રીઝ સહિત બંગાળી, મરાઠી, ગુજરાતી, પંજાબી અને ઓડિયા જેવી પ્રાદેશિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઈન્ડસ્ટ્રીને નવી ઓળખ પણ આપશે. બાહુબલી, RRR, પુષ્પા અને કાંતારા જેવી ફિલ્મોએ જે રીતે પાન-ઈન્ડિયા સ્તરે ઓળખ બનાવી છે, તેવી જ રીતે હવે ગુજરાતી અને અન્ય નાની ઇન્ડસ્ટ્રીઝને પણ આ મંચ દ્વારા આખા ભારતમાં પહોંચવાની અને નવી તકો મેળવવાની મોટી તક સાંપડશે.
આ પણ વાંચો : ઈલોન મસ્કની પાર્ટનર શિવોન હાફ ઇન્ડિયન છે! નિખિલ કામથના પોડકાસ્ટમાં મસ્કનો ખુલાસો
આ સંસ્થાના સ્થાપક જાણીતા નિર્માતા વિષ્ણુવર્ધન ઈન્દુરી છે, જેઓ અગાઉ SIIMA એવોર્ડ્સ અને સેલિબ્રિટી ક્રિકેટ લીગ (CCL) દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝને જોડવામાં સફળ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શિબાશીષ સરકાર પણ ચીફ પેટ્રન તરીકે જોડાયા છે.
આ એકેડમી માત્ર એવોર્ડ શો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તે એક પેન-ઈન્ડિયા ડેટાબેઝ પણ તૈયાર કરી રહી છે. આ ડેટાબેઝ દ્વારા તમામ 12 ઇન્ડસ્ટ્રીઝના કલાકારો અને ટેકનિશિયનો એકબીજા સાથે સરળતાથી સંપર્ક કરી શકશે અને પ્રતિભાનું આદાનપ્રદાન થઈ શકશે.



