Lok Sabha Election Result: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં I.N.D.I.A. ગઠબંધનનો સપાટો
બારામતીની બેઠક પર સુપ્રિયા સુળેએ ગઢ બચાવ્યો, મુંબઈમાં પિયૂષ ગોયલે રંગ રાખ્યો
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાં સૌથી મોટો ફટકો ભાજપની આગેવાની હેઠળના એનડીએને પડ્યો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી મુંબઈની છ બેઠક પર ભાજપની આગેવાનીના હેઠળના એનડીએને ફટકો પડ્યો છે.
મહારાષ્ટ્રમાં સત્તા પલટા પછી ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એકનાથ શિંદે સાથે મળીને નવી સરકારનું ગઠન કર્યા પછી અજિત પવારને સાથે રાખીને મહાયુતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આમ છતાં મહાયુતિને ફાયદો થયો નહીં, એની સામે મહાવિકાસ આઘાડી (યુબીટી-કોંગ્રેસ-શરદ પવાર જૂથ)ને આ વખતની ચૂંટણીમાં જોરદાર ફાયદો થયો.
બારામતીની સીટ પવાર માટે સૌથી મોટા વર્ચસ્વનો મુદ્દો સાબિત થયો હતો, પરંતુ બહેને ભાભીને હરાવીને પિતા શરદ પવારનું કદ વધાર્યું છે. સુપ્રિયા સુળેએ ભાભી સુનેત્રા પવારને એક લાખ મતના માર્જિનથી હરાવ્યા હતા. એના સિવાય થાણે અને કલ્યાણની સીટ પર એકનાથ શિંદેની શિવસેનાએ રંગ જમાવ્યો હતો.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન
મુંબઈની આટલી સીટ અપસેટ સર્જાયો
મુંબઈ મહાનગરની સીટ પર ઉદ્ધવ ઠાકરે-કોંગ્રેસની યુતિ કામ લાગી અને ભાજપને સૌથી મોટી પછડાટ આપી છે. કોંગ્રેસ અને ગઠબંધનના નેજા હેઠળ પાંચ સીટ જીતી ગયું છે. મુંબઈમાં ફક્ત કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને બાદ કરતા બાકી સીટ પર ભાજપને ફટકો પડ્યો છે. 2014 અને 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી હતી. ચૂંટણીમાં ભાજપને મળેલી હાર મુદ્દે એક કરતા અનેક પરિબળો કામ કરી રહ્યા છે.
મુંબઈની છ બેઠક પર વિજેતા ઉમેદવારમાં ફક્ત ભાજપના એક જ ઉમેદવારનો સમાવેશ થાય છે. એની સામે કોંગ્રેસનાં વર્ષા ગાયકવાડ, ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર ઉમેદવાર અમોલ કીર્તિકર, અરવિંદ સાવંત, અનિલ દેસાઈ, સંજય દિના પાટીલના ઉમેદવાર જીત્યા છે. કોંગ્રેસના ઉમેદવાર વર્ષા ગાયકવાડે ભાજપના કેન્ડિડેટ ઉજ્વલ નિકમને અંતિમ રાઉન્ડમાં હરાવ્યા હતા.
આ ઉપરાંત, મુંબઈની ઉત્તર પશ્ચિમની સીટ પર અમોલ કીર્તિકરે જીત નોંધાવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના અનિલ દેસાઈએ રાહુલ શેવાળેને હાર આપી હતી. દક્ષિણ મુંબઈ લોકસભાની સીટ પર યામિની જાધવને અરવિંદ સાવંતે હરાવ્યા. નોર્થ ઈસ્ટની સીટ પરથી ભાજપના મિહિર કોટેચાની હાર થઈ હતી.