મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં 53.40 ટકા મતદાન પહેલા બંને તબક્કા કરતાં ત્રીજામાં મતદાન આઠ ટકા ઓછું
પાવરફૂલ પવાર પરિવારના ગઢમાં સૌથી ઓછું 47.84 ટકા મતદાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની 11 બેઠકોના 23,036 મતદાનકેન્દ્રો પર મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 53.40 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં લોકસભાની 48 બેઠકો છે. પહેલા તબક્કામાં 19 એપ્રિલે પાંચ બેઠક પર અને બીજા તબક્કામાં આઠ બેઠક પર 26 એપ્રિલે મતદાન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં પહેલા બંને તબક્કા કરતાં ત્રીજા તબક્કામાં મતદાનની ટકાવારીમાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો. પહેલા બંને તબક્કામાં સરેરાશ 62 ટકા મતદાન થયું હતું.
2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ ગઠબંધનને 48માંથી 41 બેઠકો પર વિજય મળ્યો હતો.
રાજ્યમાં સૌથી વધુ મતદાન કોલ્હાપુરમાં 63.71 ટકા નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન પાવરફૂલ પવાર પરિવારના બે સભ્યો વચ્ચેની લડાઈ જ્યાં હતી તે બારામતીની બેઠક પર ફક્ત 47.84 ટકા નોંધાયું હતું. બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેની સામે તેમની ભત્રીજા વહુ સુનેત્રા પવાર ચૂંટણીના મેદાનમાં છે.
હાતકણંગલેમાં 62.18 ટકા જેટલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી નોંધાયું હતું. ઉસ્માનાબાદમાં 56.84 ટકા, લાતુરમાં 55.38 ટકા, સાતારામાં 54.74 ટકા, રત્નાગિરિ-સિંધુદુર્ગમાં 53.75 ટકા, સાંગલીમાં 52.56 ટકા, રાયગઢમાં 50.31 ટકા, માઢામાં 50.00 ટકા અને સોલાપુરમાં 49.17 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં નોંધાયું હતું.
આ તબક્કામાં મહત્ત્વના ઉમેદવારોમાં પવાર પરિવારને બાદ કરવામાં આવે તો છત્રપતિ શાહુ મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલે, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેનો સમાવેશ થાય છે.
11 બેઠકો પર કુલ 1,07,64,741 પુરુષ, 1,02,26,946 મહિલા અને 929 અન્ય મતદારો હતા.