બોરીવલીમાં રૂ. 1.18 કરોડનું ડ્રગ્સ પકડાયું: બે જણની ધરપકડ | મુંબઈ સમાચાર

બોરીવલીમાં રૂ. 1.18 કરોડનું ડ્રગ્સ પકડાયું: બે જણની ધરપકડ

મુંબઈ: બોરીવલીમાં રૂ. 1.18 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ વેચવા માટે આવેલા બે પેડલરને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ઝડપી પાડ્યા હતા. પોલીસે જપ્ત કરેલું ડ્રગ્સ નેપાળથી લવાયું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓ મંગળવારે બોરીવલી પશ્ર્ચિમમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બે શખસ પર તેમની નજર પડી હતી. બંનેની હિલચાલ શંકાસ્પદ જણાઇ આવતાં તેમને તાબામાં લેવાયા હતા. બાદમાં બંનેની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. 1.18 કરોડથી વધુની કિંમતનું ચરસ મળી આવ્યું હતું.

દરમિયાન બંને શખસ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. આરોપીઓ બોરીવલીમાં ચરસ કોને વેચવા આવ્યા હતા, તેની તપાસ કરાઇ રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એએનસીએ 2023માં 106 ગુનો દાખલ કરીને 229 ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂ. 53.23 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

Back to top button