એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ચાર સ્થળે કાર્યવાહી કરીને રૂ. 4.24 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને આ પ્રકરણે ચાર ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી.
એનએનસીના આઝાદ મેદાન યુનિટે મળેલી માહિતીને આધારે ગુરુવારે શિવડી પૂર્વમાં છટકું ગોઠવ્યું હતું અને અહીં ડ્રગ્સ વેચવા આવેલા યુવકને પકડી પાડ્યો હતો. યુવકની તલાસી લેવાતાં રૂ. 3.98 કરોડનું ચરસ મળી આવ્યું હતું. બીજી તરફ આ જ યુનિટના અધિકારીઓએ મઝગાંવ વિસ્તારમાં રૂ. ત્રણ લાખના મેફેડ્રોન સાથે શખસને પકડી પાડ્યો હતો.
દરમિયાન ઘાટકોપર યુનિટનો સ્ટાફ માનખુર્દ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમણે રૂ. 19 લાખના મેફેડ્રોન સાથે ડ્રગ પેડલરને તાબામાં લીધો હતો. એ જ પ્રમાણે કાંદિવલી યુનિટના અધિકારીઓએ દહિસર પૂર્વમાં કાર્યવાહી કરીને રૂ. 3.76 લાખના મેફેડ્રોન સાથે આરોપીની ધરપકડ કરી હતી.
ડ્રગ્સ સાથે પકડાયેલા ચારેય જણ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચારેયને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.