મુંબઈ એરપોર્ટ માટે મહત્ત્વના સમાચારઃ આ તારીખે બે રન-વે બંધ રહેશે
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના બે રન-વે નવમી મેએ ચોમાસા પહેલાની જાળવણીના કામકાજ માટે છ કલાક માટે બંધ રાખવામાં આવવાનું છે. મુંબઈ એરપોર્ટ પર નવમી મેના ગુરુવારના સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કુલ મળીને છ કલાક માટે એરપોર્ટના બે રન-વે બંધ રહેશે, જેથી એકંદરે ફલાઈટની સર્વિસ પર અસર થશે.
એરપોર્ટ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રન-વે 09/27 અને રનવે 14/32ને નવમી મેએ જાળવણીના કામ માટે બંધ રાખવામાં આવવાનો છે, જેને લીધે એરપોર્ટ પરના બે રનવે બંધ રાખવામાં આવવાના છે.
આ બાબતે ડિસેમ્બર મહિનામાં જ વિમાન કંપનીઓને જણાવવામાં આવ્યું હતું જોકે આ કામકાજને લીધે ફલાઇટ સેવા અને પ્રવાસીઓને કોઈપણ તકલીફ આવશે નહીં એવો દાવો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.
આ એરપોર્ટનો વિસ્તાર 1,033 એકરમાં ફેલાયેલો છે. આ જાળવણીના કામમાં માઈક્રો ટેક્સચર અને મેક્રો ટેક્સચર વેઅર એન્ડ ટિયર માટે રન-વેની સપાટીની તપાસ કરવામાં આવશે. આ કામને લીધે એરપોર્ટનું એરસાઈડ સ્ટ્રીપને મજબૂત બનશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.