IIT Bombayનું નામ IIT Mumbai કરવા માટે PM Modiને પત્ર લખીશ: ફડણવીસ

મુંબઈ: ભાજપના કેન્દ્રીય રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહના નિવેદન બાદ ઊભા થયેલા વિવાદ પર હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમારા માટે આ મુંબઈ જ છે, બોમ્બેનું નામ મુંબઈ કરવા પાછળ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નો મોટો ફાળો છે.
તેઓ વડા પ્રધાનને આઈઆઈટી બોમ્બેનું નામ આઈઆઈટી મુંબઈ કરવા માટે વિનંતી કરશે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહે આઈઆઈટી મુંબઈના એક કાર્યક્રમમાં નામ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે આઈઆઈટી બોમ્બેનું નામ મુંબઈ ન કરાયું તેનો મને સંતોષ છે. ત્યાર બાદ મનસેએ આ અંગે આક્રમક વલણ અપનાવીને તેમને જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: IIT Bombay: રામાયણ પર આધારિત નાટક ભજવવા બદલ વિદ્યાર્થીઓ પર ભારે દંડ, હોસ્ટેલમાંથી પણ હાંકી કઢાયા
હવે મુખ્ય પ્રધાને પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. રાજ ઠાકરેની ટીકા પર પ્રતિક્રિયા આપતા ફડણવીસે કહ્યું કે, “બોમ્બેનું નામ મુંબઈ કરવા પાછળ સૌથી મોટો ફાળો ભારતીય જનતા પાર્ટીના નેતા રામભાઉ નાઇકનો છે. અમારા માટે તે બોમ્બે નહીં પણ મુંબઈ જ છે.
બોમ્બેનું નિશાન ભૂંસાઈ જવા જોઈએ અને બધે મુંબઈ જ હોવું જોઈએ. આઈઆઈટી બોમ્બેનું નામ આઈઆઈટી મુંબઈ કરવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર હું દેશના વડા પ્રધાન અને માનવ સંસાધન પ્રધાનને લખીશ.”



