આઈઆઈટી બૉમ્બેના વિદ્યાર્થીએ હોસ્ટેલની અગાશી પરથી પડતું મૂક્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આઈઆઈટી બૉમ્બેના વિદ્યાર્થીએ હોસ્ટેલની અગાશી પરથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પવઈ વિસ્તારમાં બની હતી.
પવઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલા સ્ટુડન્ટની ઓળખ નમન અગરવાલ (21) તરીકે થઈ હતી. પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (આઈઆઈટી)ના સિવિલ એન્જિનિયરિંગમાં બીટેકના બીજા વર્ષમાં ભણતો નમન હોસ્ટેલ નંબર-3માં રહેતો હતો. મંગળવારની રાતે હોસ્ટેલ નંબર-4ની અગાશી પર ગયો હતો અને ત્યાંથી કથિત રીતે કૂદકો માર્યો હતો.
આપણ વાચો: અંધેરીમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદના ભત્રીજાએ કરી આત્મહત્યા…
હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સિક્યોરિટી ગાર્ડે નમનના જમીન પર પટકાવાનો અવાજ સાંભળ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ તરત દોડી આવ્યા હતા અને નમનને ગંભીર જખમી અવસ્થામાં જોયો હતો. તાત્કાલિક તેને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયું હોવાનું પોલીસનું કહેવું છે.
નમન રાજસ્થાનના પિલાનીનો વતની હતો. તેના પરિવારને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હોસ્ટેલ નંબર-3માં રહેતો નમન હોસ્ટેલ નંબર-4માં શા માટે ગયો તે બાબતે પોલીસ તેના રૂમમેટ્સ અને અન્ય સ્ટુડન્ટ્સની પૂછપરછ કરી રહી છે. નમને અંતિમ પગલું શા માટે ભર્યું તે જાણી શકાયું નહોતું. પૂછપરછમાં કોઈ શંકાસ્પદ માહિતી મળશે તો કાનૂની પગલાં લેવામાં આવશે, એવું પોલીસનું કહેવું છે.



