તાવ, શરદી ઉધરસ હોય તો તુરંત કોરોનાનો ટેસ્ટ કરાવો: કોવિડ ટાસ્ક ફોર્સની સૂચના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષની ઊજવણી કરી બહાર ગામ કરી પાછા ફરેલા લોકોને જો શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ હોય તો એવા લોકોને તુરંત કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સલાહ રાજ્યનો નવી બનેલી કોવિડ ટાસ્ક ફોર્સે આપી છે. તેથી મુંબઈગરાની ચિંતામાં વધારો થયો છે.
ક્રિસમસની રજા અને નવા વર્ષની ઊજવણી કરવા માટે મોટી સંખ્યામાં મુંબઈના લોકો બહારગામ ગયા હતા. તો મોટી સંખ્યામાં પર્યટકો પણ મુંબઈ આવ્યા હતા. આ દરમિયાન મુંબઈ સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ જે.એન.૧ના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, તેથી રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સે મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
ટાસ્ક ફોર્સે બહારગામ જઈને પાછા ફર્યા બાદ જો કોઈને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો જણાતા હોય તેણે તુરંત કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સૂચના રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સે આપી છે.
છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે દર્દીમાં કોરોનાના હળવા લક્ષણો જણાઈ રહ્યા છે. તેથી હૉસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ ઓછું છે અને મૃત્યુમાં પણ વધારો થયો નથી. છતાં તકેદારીના પગલારૂપે બહારગામ જઈને આવેલા લોકોમાં લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી લેવાનું કહેવામાં આવી રહ્યું છે.