જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં
મુંબઈ: એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ ગુરુવારે કહ્યું હતું કે, જો તેમના પક્ષના વડા અજિત પવારને નાણાં ખાતું નહીં મળે તો ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારની કોઈ પ્રાસંગિકતા કે પછી અર્થ રહેશે નહીં.
દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણ પહેલા મિટકરીની આવેલી ટિપ્પણી મહાયુતિમાં બધું આલબેલ ન હોવાના સંકેત આપે છે.
નાણા મંત્રાલય ભાજપ પાસે રાખશે તેવી અટકળો રાજ્યમાં જોરશોરથી ફેલાઈ રહી છે તેનો જવાબ આપતાં મિટકરીએ કહ્યું હતું કે, માત્ર અજિત પવાર જ નાણાં વિભાગ સંભાળવા સક્ષમ છે. તેમણે 10 બજેટ રજૂ કર્યા છે અને તેઓ જાણે છે કે કેવી રીતે રાજકોષીય શિસ્ત જાળવવી, એમ મિટકરીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: અમિત શાહની બેઠક બાદ અજિત પવારનું મોટું નિવેદન, કેબિનેટ વિસ્તરણ અંગે શું કહ્યું?
‘જો અજિત પવારને નાણાં પ્રધાન બનાવવામાં નહીં આવે, તો આ સરકારની કોઈ પ્રાસંગિકતા રહેશે નહીં,’ એમ મિટકરીએ કહ્યું હતું. મિટકરી વિધાન પરિષદના સભ્ય પણ છે.
કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બર સુધીમાં થવાની સંભાવના છે, એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ બુધવારે જણાવ્યું હતું. ભાજપને મુખ્ય પ્રધાનપદ સહિત 21 થી 22 પ્રધાનપદો મળવાની આશા છે, નેતાએ જણાવ્યું હતું કે ચારથી પાંચ પ્રધાનપદ ખાલી રાખવામાં આવી શકે છે.
મહારાષ્ટ્ર કેબિનેટમાં મુખ્ય પ્રધાન સહિત વધુમાં વધુ 43 મંત્રીઓ હોઈ શકે છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમની કેબિનેટમાં ભાજપના સંભવિત પ્રધાનોના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે અને અંતિમ નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.
યોગાનુયોગ, અજિત પવાર પણ રાષ્ટ્રીય રાજધાનીમાં છે. ફડણવીસે કહ્યું હતું કે, તેઓ અને પવાર પોતપોતાની બેઠકો માટે દિલ્હી આવ્યા છે.