…તો હું આંદોલનમાં જોડાઇશઃ શરદ પવારે પુણેે આંદોલનમાં જોડાવાની ચીમકી આપી
મુંબઈ: મહારાષ્ટ્રમાં પહેલાથી જ મરાઠા અનામતની માગણી સાથે છેલ્લાં મહિનાઓથી આંદોલન ચાલી રહ્યા છે અને તેવામાં બલાપુરમાં બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના મામલે લોકોએ તેમ જ કોલકાતામાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કારણે ડૉક્ટરોએ આંદોલન શરૂ કર્યું છે.
આવી પરિસ્થિતિમાં પુણેમાં એમપીએસસી(મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન)ના ઉમેદવારોએ રસ્તા પર ઉતરી આંદોલન શરૂ કરતા સ્થિતિ વણસી છે. તેમાં પણ શરદ પવારે આ આંદોલનમાં જોડાવાની તૈયારી બતાવતા વધુ કપરી પરિસ્થિતિ નિર્માણ થઇ શકે.
છેલ્લાં બે દિવસથી એમપીએસસીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શરદ પવાર અને તેમના પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: બોમ્બે હાઇ કોર્ટમાં મરાઠા અનામત પર સુનાવણી, OBC કમિશનના રિપોર્ટ પર સવાલ
શરદ પવારે આ મામલે સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે પુમેના એમપીએસસીના વિદ્યાર્થીઓએ કરેલા આંદોલન બાબતે વિચાર કરવો એ સરકારની ફરજ છે, પરંતુ સત્તાધીશો તેને ગંભીરતાથી લઇ રહ્યા હોય એવું જણાતું નથી. જો એક દિવસમાં સરકાર યોગ્ય ભૂમિકા સ્પષ્ટ ન કરે તો પુણેમાં આંદોલન થઇ રહ્યું છે તેમાં હું પણ જોડાઇશ અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે મેદાનમાં ઉતરીશ.
શરદ પવારે બુધવારે રાતે બાર વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા સાઇટ એક્સ(પહેલા ટ્વિટર) પર ઉક્ત પોસ્ટ મૂકીને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમુક નેતાઓ ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા અને ઉમેદવારોના આંદોલન અંગે ચર્ચા કરી હતી.
એમપીએસસી દ્વારા લેવામ આવનારી નિયમિત રાજ્ય સેવાની સંયુક્ત પૂર્વ પરીક્ષા અને આઇબીપીએસની પરીક્ષા એક જ દિવસે રાખવામાં આવતા ઉમેદવારો ગૂંચવાયા હતા અને આંદોલન શરૂ કર્યું હતું. સરકાર પોતાની માગણીઓ પૂરી ન કરતી હોવાનું કહી ઉમેદવારોએ આંદોલન કર્યું હતું.