સમિતિ જે ફેંસલો લેશે તે સ્વીકાર કરીશ: પૂજા ખેડકરે શું કહ્યું તપાસ વિશે?

મુંબઈ: ગરરીતિ આચરી તેમ જ દિવ્યાંગતાના ખોટા સર્ટિફિકેટ રજૂ કરવા સહિતના ગંભીર આરોપોનો સામનો કરી રહેલી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) IAS અધિકારી Pooja Khedkarએ તેમની વિરુદ્ધ રચવામાં આવેલી તપાસ સમિતિ અંગે વાત કરતા સમિતિ જે ફેંસલો લેશે તે સર્વ માટે સ્વીકાર્ય રહેશે, તેમ જણાવ્યું હતું.
UPSC(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષામાં પસંદગી પામવા માટે ઓબીસી શ્રેણીનો ખોટી રીતે ઉપયોગ કરતો હોવાના આરોપનો સામનો કરનારી 34 વર્ષની પૂજા ખેડકરે વિવાદની તપાસ માટે રચવામાં આવેલી સમિતિ અંગે વધુ કંઇ કહેવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે હાલ મને સમિતિ વિશે કંઇપણ કહેવાનો અધિકાર નથી. તે શું તપાસ કરી રહી છે તેના વિશે હું કોઇ નિવેદન આપી ન શકું. જ્યારે સમિતિનો રિપોર્ટ લોકો સમક્ષ આવશે ત્યારે લોકોને આપોઆપ બધી જાણ થઇ જશે.
આ પણ વાંચો: પૂજા ખેડકરે ચોરીના કેસના આરોપીને છોડી મૂકવા માટે ડીસીપી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો
પોતાના વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું હોવાની ફરિયાદ કરતા પૂજાએ જણાવ્યું હતું કે હું વિશેષ સમિતિ સમક્ષ મારું નિવેદન નોંધાવીશ અને તે જે પણ ફેંસલો કરશે તે બધા માટે સ્વીકાર્ય હશે. હાલ શું તપાસ ચાલી રહી છે તે જણાવવાનો મને અધિકાર નથી. આપણું ભારતીય બંધારણ તથ્ય પર આધાર રાખે છે અને જ્યાં સુધી કોઇના પર આરોપ પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે. એટલા માટે મીડિયા ટ્રાયલ દ્વારા મને દોષી સાબિત કરવી અયોગ્ય છે.
અનેક વિવાદોમાં પહેલાથી જ ફસાયેલી પૂજા ખેડકરની માતાનો પણ પિસ્તોલ સાથેનો ફોટો-વીડિયો સામે આવતા વિવાદમાં વધુ એક ઉમેરો થયો હતો. આ ઉપરાંત તેમના ઘરના ગેરકાયદે બાંધકામ અંગે પણ વિવાદ ઊભો થયો હોવાના અહેવાલ આ પહેલા વહેતા થયા હતા.