મારી હત્યા થઈ શકે છેઃ એનસીપીના નેતાનો સૌથી મોટો દાવો
મુંબઈ: મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વરિષ્ઠ નેતાએ તાજેતરમાં તેમની હત્યા થવાનો દાવો કરીને સૌને ચોંકાવી નાખ્યા હતા. પોલીસ ગુપ્તચરના અહેવાલને ટાંકીને છગન ભુજબળે વિધાનસભામાં દાવો કર્યો હતો કે તેમની કોઈ હત્યા કરી શકે છે અને છેલ્લા બે મહિનાથી તેમને ધમકીઓ મળી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા છગન ભુજબળની કાર સુધી અમુક લોકો પહોંચી ગયા હતા અને આરોપીઓએ છગન ભુજબળને મરાઠા અનામત વિરુદ્ધ નહીં બોલાવવાનું જણાવ્યું હતું.
વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન પોતાના ભાષણમાં છગન ભુજબળે કહ્યું હતું કે હું મરાઠા આરક્ષણનો વિરોધ કરી રહ્યો નથી તેમ છતાં મારી છબિને મરાઠા આરક્ષણ વિરોધી હોય તેવી બતાવવામાં આવી રહી છે. મને રોજ ફોન કરી અપશબ્દ કહીને ધમકીઓ આપવામાં આવી રહી છે.
છગન ભુજબળે મરાઠા આરક્ષણને ઓબીસી સમાજમાં સામેલ કરવા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. છગન ભુજબળના દાવા પર મરાઠા આરક્ષણના મુખ્ય કાર્યકર મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે ભુજબળ રાજ્યના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરક્ષણને લઈને મરાઠા અને ઓબીસી વચ્ચે રાજ્યમાં સતત તણાવ વધી રહ્યો છે. જરાંગે પાટીલે આ 20 ડિસેમ્બર સુધી સરકારને આરક્ષણનો ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે.
બીજી બાજુ વિધાનસભામાં ભુજબળના દાવાને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશઅધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે આ મામલે હાલની સરકારમાં કોઈ તાલમેલનો અભાવ છે. સરકાર માત્ર ઓબીસી સમાજનું શોષણ કરી રહ્યું છે અને કોઈ નવી નીતિઓ બનાવી નથી. સરકાર આરક્ષણના મુદ્દાને લઈને પોતાનો બચાવ કરી રહી છે, જેથી ઓબીસી અને મરાઠા સમાજ વચ્ચે તણાવ વધારવામાં આવી રહ્યો છે જેથી આ મુદ્દો શાંત થઈ જાય અને લોકો આરક્ષણને ભૂલી જાય. આ ભાજપની યોજના છે.
દરમિયાન બીજી બાજુ શરદ પવાર જૂતના નેતા રોહિત પવારે કહ્યું હતું કે છગન ભુજબળ જે રીતે નિવેદનો આપે છે, તેનાથી હું સહમત નથી. હું તેમના નિવેદનનો વિરોધી છું. જો તેમના જીવને જોખમ હોય તો સરકારને એના અંગે ધ્યાન આપવું જોઈએ અને સુરક્ષા વધારવી જોઈએ. મહારાષ્ટ્રમાં કોઈને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું યોગ્ય નથી અને અમે તેના વિરોધી છીએ.