આમચી મુંબઈ

ગળું ચીરીને પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ આઠ મહિને નાશિકમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: ડોમ્બિવલીની રૂમને થયેલા વિવાદમાં તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરીને પત્નીની નિર્દયતાથી હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિને થાણે ક્રાઈમ બ્રાન્ચે નાશિકમાં પકડી પાડ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ આનંદ તુલસીરામ સૂર્યવંશી (60) તરીકે થઈ હતી. વધુ તપાસ માટે આરોપીને ઉલ્હાસનગરની સેન્ટ્રલ પોલીસના તાબામાં સોંપાયો હતો. કોર્ટે તેને 14 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઉલ્હાસનગરની મંડલિક ચાલમાં રહેતા આરોપીએ 9 મે, 2025ની રાતે પત્ની સુરેખા (47)ની હત્યા કરી હતી. ડોમ્બિવલીમાં આરોપીની માતાને નામે એક રૂમ છે, જે આરોપી તેના ભાઈ રતન સૂર્યવંશીને નામે કરવા માગતો હતો. આ મુદ્દે સુરેખાએ વાંધો ઉઠાવ્યો હતો.

કહેવાય છે કે ઘટનાની રાતે આઠ વાગ્યાની આસપાસ ફરી સુરેખાએ આ મુદ્દે સવાલ કરતાં આરોપી રોષે ભરાયો હતો. દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા પછી આરોપીએ તીક્ષ્ણ હથિયારથી પત્નીનું ગળું ચીર્યું હતું. લોહીલુહાણ હાલતમાં સુરેખા જમીન પર ફસડાઈ પડ્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે સેન્ટ્રલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી.

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વિનય ઘોરપડેએ જણાવ્યું હતું કે ફરાર આરોપીની શોધ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ પ્રયાસ કરી રહી હતી. આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળતો હતો. પરિણામે તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો. તેની શોધ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જળગાંવ, નાશિક, અહિલ્યાનગર જિલ્લામાં ગઈ હતી, પરંતુ તે સમયે આરોપીની કોઈ ભાળ મળી નહોતી.

શુક્રવારે આરોપી નાશિક રોડ પરના વિહિતગાંવમાં આવવાનો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમ નાશિક પહોંચી હતી અને છટકું ગોઠવ્યું હતું. વિહિતગાંવમાં બુદ્ધવિહાર નજીક આવેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button