કોસ્ટલ રોડ પર ઓવરસ્પીડિંગ બદલ કેટલા લોકો દંડાયા, શિંદેએ આપ્યા આંકડા

મુંબઈ: મુંબઈના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કોસ્ટલ રોડનું નિર્માણ થયા પછી દક્ષિણ મુંબઈના વાહનચાલકો માટે અવરજવર કરવાનું વધુ સુલભ બન્યું છે. આ સુવિધા સાથે મુંબઈ ટ્રાફિક પોલીસની કામગીરીમાં પણ વધારો થયો છે, જેમાં નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.
કોલ્ટલ રોડ પર ખાસ કરીને સ્પીડ રિસ્ટ્રિક્શન લાદવામાં આવ્યા છે, જ્યારે નિયમોના ભંગ બદલ દંડ કરવામાં આવે છે. આ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ પર વધુ ઝડપે વાહન ચલાવવા બદલ પોલીસે ૨,૯૬૪ વાહનોને દંડ ફટકાર્યો છે.
આપણ વાંચો: નવા વર્ષની ઉજવણી: મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 17,800 વાહનચાલકો દંડાયા
તેમણે કહ્યું કે વર્લી અને તારદેવ પરિવહન કચેરીઓએ મંજૂરીપાત્ર સ્પીડ લિમિટ કરતા વધુ ગતિએ ચાલતા વાહનોની તપાસ માટે અધિકારીઓને તૈનાત કર્યા છે. વિભાગે અત્યાર સુધીમાં ઓવરસ્પીડિંગ બદલ ૨,૯૬૪ વાહનો સામે કાર્યવાહી કરી છે.
શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે વિભાગે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ કેમેરાનો ઉપયોગ કર્યો છે અને કાર્યવાહી કરવા માટે પોલીસે સ્પીડ ગનનો પણ ઉપયોગ કર્યો છે.