આમચી મુંબઈ

જોખમી ઈમારતોમાંથી લોકોને બહાર કાઢવા મ્હાડાની નવી પોલિસી કેટલી કામ કરશે ?

મુંબઈઃ મુંબઈમાં ઘરનું ઘર એ એટલો વિકટ પ્રશ્ન છે કે લોકો જર્જરિત ઈમારતોમાં જીવના જોખમે રહે છે, પરંતુ તેને ખાલી કરતા નથી. દર વર્ષે વરસાદ પહેલા મ્હાડા પોતાની જર્જરિત અને અતિ જર્જરિત ઈમારતોમાં રહેતા લોકોને ખાલી કરવા કહે છે, પંરતુ ઘર છોડીને ક્યાંય જવાનું પોષાય તેમ ન હોય એટલે રહેવાસીઓ ત્યાં જ રહે છે અને ઘણીવાર દુઘર્ટનાઓનો ભોગ બને છે.

આ સ્થિતિના એક ઉકેલ તરીકે મ્હાડાએ અત્યંત જોખમી ઈમારતોમાં રહેતા લોકોને બહાર કાઢવા માટે એક નવી પોલિસી અંગે વિચાર કર્યો હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. મ્હાડાએ અતિ જોખમી ઈમારતોમાંથી પોતાની મરજીથી અન્યત્ર રહેવા જનારા રહેવાસીઓને કુટુંબદીઠ રૂ. 20,000 ભાડાપેટે આપવા અંગે વિચાર થઈ રહ્યો છે.

આ ઉપરાંત, અત્યંત જોખમી ઇમારતોના રહેવાસીઓને 180 થી 250 ફૂટના 400 મકાનો ભાડે આપવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મ્હાડાના વાઇસ ચેરમેન સંજીવ જયસ્વાલે ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ન થાય અને રહેવાસીઓને સુવિધા મળે તે માટે આ નિર્ણયો લીધા છે.

મ્હાડાએ આ વર્ષે 96 ઇમારતોને અત્યંત જોખમી જાહેર કરી છે. આ ઇમારતોમાં લગભગ 2,400 ભાડૂઆતો રહે છે અને તેમને ટ્રાન્ઝિશનલ કેમ્પમાં ખસેડવાની જરૂર છે. હાલમાં આ કેમ્પમાં ફક્ત 786 મકાનો ઉપલબ્ધ છે. મ્હાડાની ઈમારતોની વાત કરીએ તો 13,091 મુંબઈ શહેર જિલ્લામાં કુલ સેસવાળી ઇમારતો છે અને 20,591 મ્હાડા તરફથી કુલ ટ્રાન્ઝિશન માટેના મકાનો બન્યા છે.

આ રહેવાસીઓ માટે 180 થી 250 ચોરસ ફૂટ વિસ્તારના 400 મકાનો ત્રણ વર્ષ માટે લીઝ માટે આપવા મ્હાડા જાહેરાત કરશે. મ્હાડાના ઘર રિડેવલપ કરતા ખાનગી બિલ્ડરો અને સહકારી ગૃહનિર્માણ સંસ્થાઓ પાસેથી આ માટેનો ખર્ચ લેવામાં આવશે, તેમ અહેવાલ જણાવે છે.

જોકે લોકોનો સરકારી વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એકવાર ઘર ખાલી કરીને જતા રહ્યા પછી ઘર મળશે નહીં તે માન્યતા કહો કે અનુભવ રહેવાસીઓના મનમાં એવો તો ઘર કરી ગયો છે કે તેઓ પોતાના ઘર છોડવા તૈયાર નથી. મ્હાડાના એવા ઘણા રહેવાસીઓ છે જેમણે પોતાના જૂના ઘર ખાલી કર્યા અને ટ્રાન્સિઝશન કેમ્પ ગયા, પરંતુ આખું જીવન નીકળી ગયું છતાં નવા ઘર મળ્યા નહીં. આથી મ્હાડાનો આ પ્રયાસ સારો હોવા છતાં લોકો પોતાનું ઘર છોડી બહાર નીકળશે કે કેમ તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો….મધ્ય મુંબઈમાં મ્હાડાની ૯૬ ઈમારત અતિ જોખમી જાહેર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button