મેરઠના ચર્ચિત ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસ અને સોનમ-સૌરભ હત્યાકાંડ પર આધારિત ડોક્યુ-સિરીઝનું ટીઝર રિલીઝ

મુંબઈ: મનોરંજનની દુનિયામાં વાસ્તવિક ગુનાખોરી પર આધારિત ફિલ્મો અને સિરીઝ હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના એવા જ કેટલાક ચોંકાવનારા હત્યાકાંડ પર આધારિત ડોક્યુ-સિરીઝનું ટીઝર રિલીઝ થયું છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે.
‘હનીમૂન સે હત્યા’ નામની સિરીઝમાં લગ્નજીવનના એવા રહસ્યો ઉજાગર કરવામાં આવ્યા છે, જેમાં પત્ની જ પોતાના પતિની કાળ બની ગઈ હોય. આ સીરીઝ ગુનેગારોની માનસિકતા અને તેમના અત્યંત ક્રૂર ગુના કરવાની પદ્ધતિ પર પ્રકાશ પાડે છે.
સિરીઝનું ટીઝર રુંવાડા ઉભા કરી દે તેવું છે. તેમાં ખાસ કરીને મેરઠના ચર્ચિત સૌરભ હત્યાકાંડનો ઉલ્લેખ છે, જેમાં મુસ્કાન નામની મહિલાએ તેના પ્રેમી સાહિલ સાથે મળીને પતિ સૌરભની ઘાતકી હત્યા કરી હતી.
આપણ વાચો: સની દેઓલના પાવરફુલ ડાયલોગ સાથે ‘બોર્ડર 2’નું ટીઝર રિલીઝ, જાણો ફિલ્મની રિલીઝ ડેટ
તે સમયે ‘બ્લુ ડ્રમ’માં મૃતદેહ મળવાના સમાચારે આખા દેશને હચમચાવી દીધો હતો. આ ઉપરાંત, રાજા રઘુવંશી કેસની ઝલક પણ જોવા મળે છે, જેમાં સોનમ નામની મહિલાએ હનીમૂન પર જઈને જ પોતાના પતિની સોપારી આપી તેની હત્યા કરાવી દીધી હતી. ટીઝરના સંવાદોમાં સ્ત્રીના વિવિધ રૂપો જેવા કે માતા, બહેન, લક્ષ્મી અને કાળીના રૂપનો દમદાર ઉલ્લેખ છે.
આ ડોક્યુ-સિરીઝમાં માત્ર ગુનાને જ નથી બતાવવામાં આવ્યો, પરંતુ મીડિયા અને ઇન્ટરનેટ પર આવતી વાર્તાઓ કરતાં અસલી સત્ય કેટલું અલગ અને ભયાનક હોય છે તે દર્શાવવામાં આવ્યું છે.
જે લગ્ન બહારથી ખુશહાલ દેખાય છે, તેની અંદર કેવા કાળા રહસ્યો છુપાયેલા હોઈ શકે છે તેનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે. ગુનેગાર મહિલાઓએ કયા સંજોગોમાં અને કઈ માનસિક સ્થિતિમાં આવા ખૌફનાક પગલાં ભર્યા, તેની ઉંડાણપૂર્વકની તપાસ આ સિરીઝમાં જોવા મળશે.
જો તમે સસ્પેન્સ અને ક્રાઈમ સ્ટોરીઝ જોવાના શોખીન હોવ, તો ‘હનીમૂન સે હત્યા’ ડોક્યુ-સીરીઝ 9 જાન્યુઆરીથી OTT પ્લેટફોર્મ ZEE5 પર સ્ટ્રીમ થશે. આ સીરીઝ હિન્દી ભાષામાં રિલીઝ થવાની છે.
આ ડોક્યુ-સીરીઝ એવા લોકો માટે આંખ ઉઘાડનારી સાબિત થઈ શકે છે જેઓ અપરાધ પાછળના સાયકોલોજિકલ કારણો સમજવા માંગે છે. મેરઠના એ દર્દનાક હત્યાકાંડની વણકહી વાતો હવે દુનિયાની સામે આવશે.



