મુંબઈમાં અનોખી ઉજવણી; હોળીમાં દર્શાવાયા સમાજને કોરી ખાનારા આ રાક્ષસને

મુંબઈઃ આજે દેશભરમાં હોલિકા દહનના કાર્યક્રમોની ઉજવણી થાય છે. હોલિકાનું દહન એટલે કે તે તમામ પ્રવૃ્તિઓનું દહન જે આપણા સમાજને રાક્ષસની જેમ કોરી ખાય છે.
સાંપ્રત સમાજમાં આવા ઘણા રાક્ષસો છે જે આપણી યુવાપેઢીને પતન તરફ લઈ રહ્યા છે અને તેમાનું એક છે જંક ફૂડ. આપણું હેલ્ધી અને ટેસ્ટી પારંપારિક ખાવાપીવાનું છોડી બાળકો અને યુવાનો તો શું મોટી વયના પણ હવે જંક ફૂડ અને પીણા તરફ વળ્યા છે. પિત્ઝા, પાસ્તા, બર્ગર, મેંદાની વસ્તુઓ, બ્રેડની વસ્તુઓ શરીર માટે સારી ન હોવાનું વારંવાર કહેવા છતાં આ જ આરોગવામાં આવે છે અને તેના વરવા પરિણામો પણ આપે જોઈ રહ્યા છે.
આપણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ ના કરવા જોઈએ હોલિકા દહનના દર્શન, નહીંતર…

નાના બાળકોથી લઈ મોટાઓમાં સ્થૂળતા, ડાયાબિટિઝ, હાર્ટ ડિસિઝ વધી રહ્યા છે. આવો બીમાર સમાજ દેશને કઈ રીતે આગળ વધારશે તે ચિંતા સૌને સતાવી રહી છે ત્યારે દક્ષિણ મુંબઈના બીજા કુંભારવાડા મિત્ર મંડળે એક સારો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.
દક્ષિણ મુંબઈમાં બીજા કુંભારવાડા મિત્ર મંડળ દ્વારા “No Junk Food” ની થીમ પર પિત્ઝાના શેપની હોળી બનાવી હતી. હોળીના પર્વ પર જનજાગૃતિ અભિયાન અંતર્ગત જંક ફૂડ ખાધા બાદ શરીરના અવયવોની હાલત કંઈક આ પ્રકારની થઈ જતી હોય છે તેને વિષય બનાવીને આ વિશેષ ઉજવણી કરવા માટે આ થીમ પસંદ કરવામાં આવી છે.