વન નેશન, વન ઈલેક્શન મુદ્દે રાજ ઠાકરેએ આપી કંઈક આવી પ્રતિક્રિયા કે…

મુંબઈ: કેન્દ્ર સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ માટે બહુ ઉત્સાહી હોય તો સૌથી પહેલા મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણી કરાવવી જોઇએ, એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું.
મુંબઈ પાલિકા સહિત રાજ્યની અનેક પાલિકાની ચૂંટણીઓ હજી યોજાઇ નથી. ‘જો ચૂંટણીને જ બહુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોય તો સૌથી પહેલા પાલિકાની ચૂંટણીઓ યોજાવી જોઇએ’, એમ રાજ ઠાકરેએ ‘એક્સ’ પર પોસ્ટ કરી જણાવ્યું હતું અને લખ્યું હતું કે ઓક્ટોબર સુધી અનેક પાલિકાઓ ચાર વર્ષથી વધુ સમય માટે વહીવટીતંત્ર હેઠળ ચાલશે.
આપણ વાંચો: 40 વર્ષથી ભાજપની માગ છે ‘વન નેશન, વન ઈલેક્શન’, જાણો તેના વિશે
કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી છે ત્યારે સૌથી પહેલા રાજ્યો માટે પણ વિચારવું જોઇએ, એમ એમએનએસના વડાએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર પડી ભાંગે અથવા વિધાનસભા બરખાસ્ત થઇ જાય અથવા લોકસભાની વચગાળાની ચૂંટણી યોજવાનો વારો આવે તો શું થશે?, એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
કેન્દ્ર સરકારે બુધવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની પેનલે તૈયાર કરીને આપેલા વન નેશન, વન ઇલેકશનના રિપોર્ટને મંજૂરી આપી હતી. તેમ છતાં વિપક્ષોનું કહેવું છે કે આ રીતે ચૂંટણી યોજવી શક્ય નથી.
(એજન્સી)