
મુંબઈઃ દેશના ઘણા રાજ્યોમાં અત્યારે ભાષા વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ હિન્દી ભાષા વિવાદ ચાલી રહ્યો છે અને રાજકારણીઓ ભાષાના નામે રાજકારણ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે કહ્યું હતું કે શાળાઓમાં હિન્દી શીખવવી જોઈએ, કારણ કે તે દેશભરના લોકોને જોડવામાં મદદ કરે છે. આ ટિપ્પણી વિપક્ષને સરકારને ઘેરવાની નવી તક આપી શકે છે.
અમૃતા ફડણવીસનું આ નિવેદન ભાજપની આગેવાની હેઠળની સરકારે ધોરણ એકથી 5 સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે સમાવતો સરકારી આદેશ (GR) પાછો ખેંચી લીધાના ત્રણ દિવસ પછી આવ્યું છે. અમૃતા ફડણવીસે અહીં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર માટે મરાઠી નંબર વન (ભાષા) છે, તેમાં કોઈ શંકા નથી.
આ પણ વાંચો: રાજ અને ઉદ્ધવ હિન્દી ‘લાદવા’ સામે ભાજપ સામે પડ્યા પણ અલગ અલગ શરદ પવારે સંયુક્ત વિરોધનું આહ્વાન કર્યું…
વૈશ્વિકસ્તરે વાતચીત કરવા માટે અંગ્રેજી ઉપયોગી છે, પરંતુ મને વ્યક્તિગત રીતે લાગે છે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના દેશભરના લોકો સાથે જોડવા માટે હિન્દીને અભ્યાસક્રમમાં સમાવી શકાય છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ ભાષા વિકલ્પોમાંથી પસંદગી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
મહારાષ્ટ્રમાં અત્યારે હિન્દી ભાષાને લઈને હોબાળો મચી ગયો છે. ક્યારેક કોઈને હિન્દી બોલવા બદલ માર મારવામાં આવી રહ્યો છે તો ક્યારેક શાળાઓમાં હિન્દી શીખવવા સામે વિરોધ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં, શિવસેના યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે તાજેતરમાં ભેગા થયા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વકર્યો, માતૃભાષા અને રાષ્ટ્રીયભાષાને લઈ રાજકીય પક્ષો સામ-સામે
દરમિયાન, મરાઠીઓને સંબોધિત કરતા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર સંયુક્ત પત્ર જારી કર્યો છે. વાસ્તવમાં, આ પત્ર દ્વારા, ઉદ્ધવ અને રાજ ઠાકરેએ લોકોને 5 જુલાઈના રોજ યોજાનારી જાહેર સભામાં આમંત્રણ આપ્યું છે. રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરો દ્વારા હિન્દી ભાષી લોકોને ઘણીવાર માર મારવામાં આવે છે.
મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ એકથી ધોરણ 5 સુધી હિન્દી ભાષા દાખલ કરવા સામે વધી રહેલા વિરોધ વચ્ચે રવિવારે રાજ્ય મંત્રીમંડળે ત્રિભાષા નીતિના અમલીકરણ પર બે GR (સરકારી આદેશો) પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. અગાઉ મહારાષ્ટ્ર સરકારે ત્રણ ભાષાઓ અંગે મોટો નિર્ણય લેતા બંને જૂના નિર્ણય રદ કર્યા હતા.
આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા ડૉ. નરેન્દ્ર જાધવના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ ત્રણ ભાષાના સૂત્ર પર પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ દ્વારા આ માહિતી આપી.