હિજાબ પર પ્રતિબંધ: એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને ધમકી

છત્રપતિ સંભાજી નગર: છોકરીઓને હિજાબ પહેરવાની મંજૂરી ન આપવા બદલ છત્રપતિ સંભાજી નગરની સ્થાનિક એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને ધમકી આપવાના આરોપસર છ અજાણ્યા શખ્સ સામે ગુનાહિત ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, કોલેજ સત્તાવાળાઓએ આ પ્રકારનો કોઈ પ્રતિબંધ હોવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે માત્ર પરીક્ષા દરમિયાન જ નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની એન્જિનિયરિંગ કોલેજમાં બની હતી જેના કારણે પ્રિન્સિપાલ અભિજિત વાડેકરે કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ દાવો કર્યો હતો કે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે બપોરે 1.45 વાગ્યાની આસપાસ છ પુરુષનું એક જૂથ કોલેજમાં પ્રવેશી ‘તમે અમારા લોકોને હિજાબ પહેરવાની મંજૂરી કેમ નથી આપતા’ એવો સવાલ કર્યો હતો. સૂત્રોચ્ચાર કરતી વખતે તેમણે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કરી ધમકી પણ આપી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે બીએનએસની કલમ 189 (2) (ગેરકાયદે એકઠા થવું), 333 (અતિક્રમણ), 352 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન) અને 351 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ ચાલી રહી છે.
વાડેકરે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે કોલેજમાં હિજાબની મંજૂરી છે. ‘અમે મંજૂરી આપીએ છીએ. પરંતુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં બેસે છે ત્યારે તેઓ પોતાનો ચહેરો જ દેખાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.’ એવી સ્પષ્ટતા તેમણે કરી હતી. (પીટીઆઈ)