અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી મુક્ત કરવાનો હાઈ કોર્ટનો આદેશ | મુંબઈ સમાચાર

અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી મુક્ત કરવાનો હાઈ કોર્ટનો આદેશ

જોકે ચાર અઠવાડિયાંમાં જવાબ નોંધવવા જેલ પ્રશાસનને નિર્દેશ

મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં જનમટીપની સજા ભોગવી રહેલા અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આપ્યો હતો. જોકે આદેશ સામે જવાબ નોંધાવવા માટે કોર્ટે જેલ પ્રશાસનને ચાર અઠવાડિયાંની મુદત આપી હતી.

અરુણ ગવળીએ હાઈ કોર્ટમાં અરજી કરી 10 જાન્યુઆરી, 2006ના સરકારી જાહેરનામાને આધારે જેલમાંથી છોડી મૂકવાની અરજી કરી હતી, જે ન્યાયાધીશ વિનય જોશી અને વૃષાલી જોશીની ખંડપીઠે શુક્રવારે માન્ય રાખી હતી.

ગવળીની અરજી પરની સુનાવણી પૂરી થયા પછી કોર્ટે ચુકાદો મોકૂફ રાખ્યો હતો. શુક્રવારે નાગપુર ખંડપીઠે ચુકાદો આપતાં ગવળીને મુદત પૂર્વે જેલમાંથી મુક્ત કરવાના નિર્દેશ આપ્યા હતા અને જેલ પ્રશાસનને જવાબ નોંધાવવા ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.

આપણ વાંચો: નગરસેવક કમલાકર જામસાંડેકર હત્યાકેસ: પેરોલ પર છૂટીને ફરાર થયેલો અરુણ ગવળી ગેન્ગનો સાગરીત નવી મુંબઈથી પકડાયો

કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે ઑગસ્ટ, 2012ના રોજ ગવળી સહિત 12 જણને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. વિશેષ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) કોર્ટે ચુકાદો આપતાં આજીવન કારાવાસ અને 17 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.

ગવળીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે રાજ્ય સરકારના 2006ના જાહેરનામા અનુસાર આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા કેદીને 14 વર્ષની સજા પૂરી થયા પછી અને 65 વર્ષની ઉંમર બાદ પણ જેલમાંથી મુક્ત કરી શકાય છે. અરુણ ગવળીની હાલમાં ઉંમર 70 વર્ષ છે અને છેલ્લાં 16 વર્ષથી તે જેલમાં છે. સરકારના જાહેરનામામાં નોંધવામાં આવેલી બન્ને શરતો ગવળીના કેસમાં પૂર્ણ થાય છે. તેથી તેને જેલમાંથી મુક્ત કરવાની દલીલ વકીલે કરી હતી.

સંબંધિત લેખો

Back to top button