
મુંબઈ: આજે શુક્રવારે સવારથી મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે CSMT, ભાયખલા, કુર્લા અને મુલુંડ વિસ્તાર ભારે વરસાદ વરસ્યો હતો. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ (IMD)ના જણાવ્યા મુજબ આજે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં ભારે વરસાદ વરસી શકે છે, આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું (Heavy rain alert in Mumbai) છે, જ્યારે પાલઘરમાં યલો એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અધિકારીઓએ લોકોને સચેત રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી છે. આ ઉપરાંત લોકોને રીઅલ-ટાઇમ ટ્રાફિક અને રેલ સર્વિસ અંગેની અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવમાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની શક્યતા છે.

લોકલ ટ્રેન સર્વિસ પ્રભાવિત:
અહેવાલ મુજબ વરસાદને કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન સર્વિસ પ્રભાવિત થઇ છે. સેન્ટ્રલ લાઈન પર લોકલ ટ્રેન મોડી દોડી રહી છે. મુખ્ય રૂટ્સની ટ્રેનો શેડ્યુલ કરતા કરતાં 10-12 મિનિટ મોડી ચાલી રહી છે, અને હાર્બર લાઇન પર ટ્રેનો 7-8 મિનિટ મોડી ચાલી રહી છે.

આ વિસ્તારમાં રેડ અલર્ટ:
અહેવાલ મુજબ રાયગઢ અને રત્નાગિરિના કેટલાક સ્થળોએ આજે શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદ(Heavy to Very heavy rain) વરસવાની આગાહી કરવામાં આવી છે, જેના માટે હવામાન વિભાગે માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ(Extremely heavy rain)ની આગાહી કરવામાં આવી છે. સતારા અને પુણેના ઘાટ વિસ્તારો માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉંચી ભરતીની આગાહી:
આગાહી મુજબ આજે શુક્રવારે બપોરના સમયે ભરતી લગભગ 4.5 મીટરની સુધી પહોંચી શકે છે. આગાહી મુજબ 26 જુલાઈના રોજ ભરતી 4.67 મીટર સુધી અને 27 જુલાઈના રોજ ભરતી 4.60 મીટર સુધી પહોંચી શકે છે.
મુંબઈ પોલીસ એલર્ટ પર:
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ પણ સતર્ક છે. X પર મુંબઈ પોલીસે લખ્યું, “મુંબઈ અને નજીકના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહો, દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળો અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. અમારા અધિકારીઓ અને સ્ટાફ હાઇ એલર્ટ પર છે અને મુંબઈવાસીઓને મદદ કરવા તૈયાર છે. કટોકટીની સ્થિતિમાં, 100/112/103 પર ડાયલ કરો.”
આ પણ વાંચો…ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, જાણો હવામાન વિભાગની આગાહી