મુંબઈમાં મેઘતાંડવ: ટ્રેનો રદ-ફ્લાઈટ ડાઈવર્ટ, રસ્તાઓ પર પાણી, જન જીવન અસ્તવ્યસ્ત, વાંચો રીપોર્ટ | મુંબઈ સમાચાર
Top Newsઆમચી મુંબઈ

મુંબઈમાં મેઘતાંડવ: ટ્રેનો રદ-ફ્લાઈટ ડાઈવર્ટ, રસ્તાઓ પર પાણી, જન જીવન અસ્તવ્યસ્ત, વાંચો રીપોર્ટ

મુંબઈ: મેઘરાજા છેલ્લા પાંચ દિવસથી મુંબઈને ધમરોળી રહ્યા છે, ગઈ કાલે મંગળવારે પણ મુશળધાર વરસાદ વરસતો રહ્યો, જેને કારણે શહેરમાં સમાન્ય જનજીવન અસ્તવ્યસ્ત (Heavy rain in Mumbai) થઇ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. લોકલ ટ્રેન સ્થગિત કરવામાં આવી હતી, ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી અને રોડ પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે બુધવાર માટે પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી આપી છે.

ગઈ કાલે મંગળવારે મુંબઈમાં માત્ર 11 કલાકમાં સરેરાશ 200 મીમીથી વધુ વરસાદ ખાબક્યો હતો. કુર્લા, દાદર, અંધેરી અને સાયનના રોડ પર પાણી ભરતા નદીઓ વહેતી હોય એવું લાગી રહ્યું હતું. જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં દિવાલો અને ઝાડ પડી ગયાના કિસ્સા બન્યા હતાં. કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ઠપ્પ રહ્યો હતો. સામાન્ય લોકોને ભાગે હાલકી ભોગવવી પડી રહી છે.

સતત વરાસી રહેલા વરસાદને કારણે મીઠીનું જળસ્તર સતત વધી રહ્યું છે, હજુ પણ ભારે વરસાદ વરસસે તો નદી ભયજનક સપાટી વટાવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. IMD એ આગાહી કરી હતી કે ગુરુવારથી મુંબઈમાં વરસાદની તીવ્રતા ઓછી થઇ જશે.

આજે પણ આ લાઈન પર લોકલ ટ્રેનો રદ:
પશ્ચિમ રેલ્વેના મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) એ કેટલીક લોકલ ટ્રેનો આજે બુધવારે પણ રદ રહેવા અંગે જાણકારી આપી છે. X પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ ભારે પાણી ભરાઈ જવાને કારણે આજે, 20 ઓગસ્ટ 2025 માટે કેટલીક લોકલ ટ્રેન સર્વિસ રદ રહેશે, તેમણે રદ થયેલી ટ્રેનોની યાદી તપાસવા વિનાનાતી કરી.

https://twitter.com/drmbct/status/1957958154332905586

હાર્બર લાઇન પર સર્વિસ ફરી શરુ:
ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ગઈ કાલે સસ્પેન્ડ કરાયેલી હાર્બર લાઇન લોકલ ટ્રેન સર્વિસ ગત મોડી રાત્રે પૂર્વવત કરવામાં આવી હતી. 15 કલાકથી વધુ સમય બંધ રહ્યા બાદ ગત રાત્રે 3 વાગ્યા સુધીમાં સર્વિસ ફરી શરુ કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ હાર્બર લાઇનના કેટલાક ભાગોમાં ટ્રેક પર 15 ઇંચથી વધુ પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે ગઈ કાલ સવારે 11.30 વાગ્યે સર્વિસ સ્થગિત કરવામાં આવી હતી. હવે ટ્રેક પરથી પાણી ઓસરી રહ્યા છે, 15 કલાક બંધ રહ્યા બાદ હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સર્વિસ શરુ કરવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને થાણે સ્ટેશનો વચ્ચે મુખ્ય લાઇન કામગીરી મંગળવારે સાંજે 7.30 વાગ્યાથી ફરી શરૂ થઈ હતી.

આ ટ્રેનો શોર્ટ-ટર્મિનેટેડ અને ડાયવર્ટ:
કેટલીક લાંબા અંતરની ટ્રેનોને શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી. જોધપુર-દાદર એક્સપ્રેસને બોરીવલી સ્ટેશન પર જ રોકી દેવામાં આવી હતી, આ ટ્રેનની રીટર્ન ટ્રીપ દાદરને બદલે બોરીવલીથી જ શરૂ થઈ હતી. અમદાવાદ-પુણે દુરંતો અને જયપુર-પુણે એક્સપ્રેસ ટ્રેનોને સુરત-ઉધના-જલગાંવ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી, મુસાફરોને તકલીફનો ભોગવી પડી હતી.

એવિએશન સર્વિસને અસર:
મુશળધાર વરસાદને કારણે વિઝીબિલીટી ખુબજ ઓછી થઇ ગઈ ગઈ હતી, જેના કારણે એવિએશન સર્વિસને અસર પહોંચી હતી. મંગળવારે આઠ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે ઘણી ફ્લાઇટ્સ ડીલે થઇ હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતાં.

આજે પણ શાળા બંધ રહેશે?
સોશિયલ મીડિયા પર એક એવો મેસેજ ફરી રહ્યો છે કે બુધવારે પણ શાળા કોલેજો બંધ રહેશે, પરંતુ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું હતું કે આ ફેક મેસેજ છે. 20 ઓગસ્ટે શાળા બંધ રહેશે એવો કોઈ મેસેજ BMCએ જાહેર કર્યો નથી.

મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી:
મુંબઈ યુનિવર્સિટીએ આજે 20 ઓગસ્ટના રોજ યોજાનારી તમામ પરીક્ષાઓ મુલતવી રાખી છે, મંગળવારે મોડી રાત્રે એક પરિપત્ર બહાર પાડીને યુનિવર્સિટીએ આ જાહેરાત કરી હતી. વરસાદને કારણે ખોરવાઈ ગયેલી જાહેર પરિવહન સેવાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

મીઠી નદીનું જળસ્તર ભયજનક સ્તર નજીક:
મીઠી નદીની સપાટી 3.9 મીટર થઈ ગઈ, નદીનું ભયજનક સ્તર 4-મીટર છે. નદીના વધી રહેલા જળસ્તરને કારને કુર્લાના ક્રાંતિ નગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં અઆવ્યું છે. 400 થી વધુ લોકોને NDRFની ટીમોની સુરક્ષિત શેલ્ટરસમાં ખસેડ્યા છે.

આટલા લોકોએ જીવ ગુમાવ્યા:
છેલ્લા પાંચ દિવસમાં રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ગઈ કાલે મંગળવારે, વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોના મોત નોંધાયા, મંગળવારે નાંદેડમાં ત્રણ અને મુંબઈ અને બીડ જિલ્લામાં એક-એક મોત નોધાયા હતાં.

આજનો દિવસ પણ ભારે રહેશે:
IMD એ બુધવાર 20 ઓગસ્ટ માટે મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કયું છે, થાણે, પાલઘર, રત્નાગિરિ અને સિંધુદુર્ગ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાયગઢ અને પુણે જિલ્લાના ઘાટ વિસ્તારો માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં અવાયું છે. જો કે ગુરુવારથી વરસાદની તીવ્રતા ઓછી થવાની પણ આગાહી કરવામાં આવી.

આપણ વાંચો:  મુંબઈમાં મેઘ કહેર: મોનો રેલ અધ વચ્ચે અટકી, 400થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button