લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કોચ રાખવાની પીઆઈએલ મુદ્દે આવતીકાલે સુનાવણી
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકોને સ્વતંત્ર કોચ રાખવાની માગણી કરતી જનહિતની જાહેર અરજી (પીઆઈએલ) મુંબઈ હાઇ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે રેલવે પ્રશાસન દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં ન આવતા હવે કોર્ટ દ્વારા આ મામલે આદેશ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી હતી. લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકોને સ્વતંત્ર કોચ આપવાની અરજી પર આવતીકાલે એટલે ત્રણ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેથી આ મામલે મહત્ત્વના ચુકાદો આવી શકે છે.
મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીડને લીધે વરિષ્ઠ નાગરિકોને ભીડમાં જીવ જોખમમાં મૂકીને પ્રવાસ કરવો પડે છે. ભીડને લીધે અનેક વખત વરિષ્ઠ નાગરિકો અકસ્માતને પણ ભેટે છે. હાલમાં મુંબઈની લોકલ ટ્રેનમાં પહેલા અને સાતમાં કોચમાં એકથી સાત નંબરની સીટને વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત રાખવામા આવી છે, પણ પીક અવર્સ દરમિયાન તેમને ટ્રેનમાં ચઢવાનું પણ મુશ્કેલ બનતા આ અરજી કરવામાં આવી હતી.
2023ના જુલાઇમાં આ મામલે સુનાવણી થઈ હતી, જેમાં મધ્ય અને પશ્ચિમ રેલવે સમક્ષ વરિષ્ઠ નાગરિકો માટે લોકલમાં અલગ કોચ આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને લઈને અદાલતે રેલવે પ્રશાસનને 23 ઓગસ્ટની ડેડલાઇન આપી હતી. પણ આ ડેડલાઇનની તારીખના ચાર મહિના વીતી ગયા છતાં કોઈ નિર્ણય ન લેવાતા આ મુદ્દે અદાલતમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આવતીકાલે ત્રણ જાન્યુઆરી 2023ના રોજ આ મામલે સુનાવણીના નિર્ણય પર દરેક લોકલ પ્રવાસીઓની નજર રહેશે.