ચૂંટણી નિષ્પક્ષ હોત તો ભાજપને માત્ર 40 બેઠકો મળત: આદિત્ય ઠાકરે
વાયવ્ય મુંબઈની બેઠકના પરિણામો કોર્ટમાં પડકારવામાં આવશે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે દાવો કર્યો હતો કે જો ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ રીતે યોજાઈ હોત તો તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 40 બેઠકો જીતી શક્યું હોત.
આદિત્ય ઠાકરેએ વાયવ્ય મુંબઈ લોકસભા બેઠકના પરિણામને છેતરપિંડી ગણાવ્યું હતું જ્યાં શિવસેના (યુબીટી)ના ઉમેદવાર અમોલ કીર્તિકર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના રવિન્દ્ર વાયકર સામે 48 મતોથી હારી ગયા.
તેમણે એવો દાવો કર્યો હતો કે સત્તાવાર મશીનરીનો દુરુપયોગ કરીને અમારી જીત છીનવી લેવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે તેમનો પક્ષ વાયવ્ય મુંબઈ બેઠકની ચૂંટણીના પરિણામોને પડકારતી અરજી સાથે કોર્ટમાં જશે.
જો ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ રીતે યોજાઈ હોત તો ભાજપ માત્ર 40 બેઠકો જીતી શકત, 240 નહીં એવો દાવો તેમણે કર્યો હતો.
આ પણ વાંચો: વરલીમાંથી આદિત્ય ઠાકરે ચૂંટણી લડીને દેખાડે, ડિપોઝિટ જપ્ત ન થાય તો મુછ કાઢી નાખીશ: ગુણરત્ન સદાવર્તે
શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબે જણાવ્યું હતું કે અમને એવી શંકા છે કે મોબાઈલ ફોન (તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવેલો) બદલાઈ ગયો હોઈ શકે છે.
તેમણે કહ્યું હતું કે ભારતના ચૂંટણી પંચે ઉપલબ્ધ માહિતીના આધારે સુઓ મોટો (પોતાની રીતે) પગલાં લેવા જોઈએ અને કીર્તિકરને વિજેતા જાહેર કરવા જોઈએ.
જાહેર થયેલા ચૂંટણી પરિણામો શંકાસ્પદ છે. અમે કાયદાકીય સહારો લઈ રહ્યા છીએ. અમે એક-બે દિવસમાં કોર્ટમાં જઈશું, એમ પણ પરબે કહ્યું હતું.
પરબે એવો પણ દાવો કર્યો હતો કે ફોર્મ 17ઈ અને 17ઈ-2 (મતદાનની સંખ્યાને લગતું) ઘણી જગ્યાએ ઉમેદવારોને આપવામાં આવ્યા ન હતા.
વાયવ્ય મુંબઈ લોકસભા સીટના રિટર્નિંગ ઓફિસરને સતત ફોન કોલ્સ અંગે પણ તપાસની જરૂર છે. તે ફોન પર વાત કરવા માટે ઘણી વખત પોતાની સીટ પરથી દૂર જતી હતી એવો દાવો તેમણે કર્યો હતો. (પીટીઆઈ)