ગોવંડીના નર્સિંગ હોમમાં નવજાત બાળકને વેચવાનો પ્રયાસ: માતા સહિત પાંચ સામે ગુનો…

મુંબઈ: અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપ્યા પછી એ નવજાતને પાંચ લાખ રૂપિયામાં વેચવાનો પ્રયાસ ગોવંડીના નર્સિંગ હોમમાં કરાયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી બાળકની માતા સહિત પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
શિવાજી નગર પોલીસના જણાવ્યા મુજબ ગોવંડીના નર્સિંગ હોમમાં કાર્યવાહી કરી રવિવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. 21 વર્ષની અપરિણીત યુવતીએ પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને વેચવાનો પ્રયાસ કરાયો હોવાની માહિતી પોલીસને મળી હતી.
માહિતીને આધારે આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર કૈલાસ સોનાવણેની ટીમ તપાસ માટે નર્સિંગ હોમ પહોંચી હતી. એજન્ટ મહિલાઓ બાળકને પાંચ લાખ રૂપિયામાં ખરીદવા તૈયાર થઈ હતી. આ પ્રકરણે નર્સિંગ હોમના માલિક ડૉ. કયામુદ્દીન ખાન, સ્ટાફર અનિતા પોપટ સાવંત, બાળકની માતા તેમ જ એજન્ટ શમા અને દર્શના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ રૅકેટમાં નર્સિંગ હોમના અન્ય કર્મચારીઓ સંડોવાયેલા હોવાની શક્યતાને આધારે તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પ્રસૂતિ કરાવનારો ડૉક્ટર બીયુએમએસ પ્રેક્ટિશનર છે અને તેને પ્રસૂતિ કરાવવાની કાનૂની છૂટ નથી. અગાઉ આ ક્લિનિકમાં અનેક સગર્ભાનો કથિત ગેરકાયદે ગર્ભપાત કરાવાયો હોવાનું કહેવાય છે. જોકે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. (એજન્સી)



