ગોવંડીના ઘરમાંથી 6.15 કરોડનું એમડી જપ્ત: યુવકની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નશાના બંધાણીઓને વેચવા માટે ગોવંડીના ઘરમાં રાખવામાં આવેલા અંદાજે 6.15 કરોડ રૂપિયાના મેફેડ્રોન (એમડી) સહિત અન્ય નશીલા પદાર્થો જપ્ત કરી પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
ઝોન-6ના એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મંગળવારે ગોવંડીના બૈગનવાડી વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપી સલમાન ઈઝહાર શેખ (23) વિરુદ્ધ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આપણ વાંચો: સિમેન્ટના ગોદામમાંથી 8.15 કરોડનું મેફેડ્રોન જપ્ત: બેની ધરપકડ
બૈગનવાડી ખાતેના કમલારમણ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા એક ઘરમાં નશીલા પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો છે, જે નશાના બંધાણીઓને વેચવામાં આવી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી.
પોલીસે સંબંધિત ઘર પર દરોડો પાડી 6.15 કરોડ રૂપિયાનું એમડી, 2.40 કરોડ રૂપિયાનો ગાંજો, કોડેન ફોસ્ફેટ યુક્ત ઓનોરેક્સ બૉટલ્સ જપ્ત કરવામાં આવી હતી. પોલીસને ઘરમાંથી 1.30 લાખની રોકડ પણ મળી આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ સલમાન શેખની ધરપકડ કરી તેના સાથીઓની શોધ ચલાવાઈ રહી છે. શેખ તેના સાથીઓની મદદથી ડ્રગ્સ વેચતો હોવાનું જાણવા મળ્યું હતું. શેખે કોની પાસેથી ડ્રગ્સ પ્રાપ્ત કર્યું તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.