ગોવંડીમાં બાળક વેચવાનો પ્રયાસ: માતા-પિતા સહિત ચારની ધરપકડ

મુંબઈ: બાળક વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી ગોવંડીની શિવાજી નગર પોલીસે છ દિવસના બાળકને છોડાવ્યો હતો. પોલીસે બાળકનાં માતા-પિતા સહિત ચારની ધરપકડ કરી હતી.
ગોવંડીમાં વડીલો દ્વારા જ બાળક વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે શિવાજી નગર પોલીસે બુધવારની રાતે છટકું ગોઠવ્યું હતું. બાળકના બદલામાં 4.50 લાખ રૂપિયા સ્વીકારનારી બે મહિલાને પોલીસે રંગેહાથ પકડી પાડી હતી..
આપણ વાંચો: બાળકો વેચવાના રૅકેટનો પર્દાફાશ: ડૉક્ટર સહિત સાતની ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝીમા શેખ ઉર્ફે નસરીન, ફાતિમા મહેબૂબઅલી અને બાળકના વડીલો ઈરફાન ખાન અને સુમૈયા ખાન તરીકે થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઈરફાન અને સુમૈયાએ તેમના છ દિવસના બાળકને વેચવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે એક લાખ રૂપિયા એડ્વાન્સમાં લેવામાં આવ્યા હતા, એવું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(3) હેઠળ ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ રૅકેટના માસ્ટર માઈન્ડની શોધ ચાલી રહી છે, જે સ્થાનિક ગુંડાનો સગો હોવાનું કહેવાય છે. બધા આરોપી શિવાજી નગર પરિસરના રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)