ગોરેગામની શાળામાં ચાર વર્ષની બાળકીની જાતીય સતામણી: મહિલાની ધરપકડ

મુંબઈ: ગોરેગામની જાણીતી શાળામાં ચાર વર્ષની બાળકીની કથિત જાતીય સતામણી કરવા પ્રકરણે પોલીસે મહિલા કર્મચારીની ધરપકડ કરી હતી.
ગોરેગામ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે શાળામાં બની હતી. દાદી બાળકીને શાળામાં છોડવા ગઈ હતી. જોકે શાળામાંથી બાળકી પાછી ફરી ત્યારે તેણે દુખાવાની ફરિયાદ કરી હતી.
તબીબી તપાસ બાદ બાળકીના પરિવારે શાળાના સત્તાવાળાઓને આ બાબતે જાણ કરી હતી અને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ પછી પોલીસે બુધવારે શાળાની મહિલા કર્મચારીની ધરપકડ કરી હતી.
જોકે ગુનામાં મહિલાની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા પોલીસ દ્વારા કરાઈ નહોતી. પોલીસ તપાસના ભાગ રૂપે સ્કૂલમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરી રહી છે. આ પ્રકરણે પોલીસે પૂછપરછ માટે શાળાની ત્રણ મહિલા મદદનીશને પણ બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું.
(પીટીઆઈ)