મુંબઈમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: રૂ. 10.48 કરોડની મતા સાથે બે વિદેશી સહિત ચારની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે મુંબઈમાં સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કીમતી ધાતુ, રોકડ સહિત રૂ. 10.48 લાખની મતા જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈમાં સોનું પિગાળવાના કારખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ ચાર જણની ધરપકડ કરાઇ હતી, જેમાં આફ્રિકાના બે નાગરિકનો સમાવેશ છે.
આફ્રિકાથી દાણચોરીથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવેલું સોનું દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર ખાતે સોનું પિગાળવાના કારખાનામાં લઇ જવાયું હતું, જ્યાં સોનું પિગાળીને તેની પરનું વિદેશી નિશાન દૂર કરીને તેને સ્થાનિક બજારમાં વાળવામાં આવી રહ્યું હતું. આ અંગે માહિતી મળ્યા બાદ ડીઆરઆઇના અધિકારીઓએ ઝવેરી બજારના એકમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ડીઆરઆઇની ટીમે ત્યાંથી વિદેશી મૂળ સહિત વિવિધ સ્વરૂપમાં 9.31 કિલો સોનું, 16.66 કિલો ચાંદી જપ્ત કરી હતી. આ પ્રકરણે એકમના સંચાલક અને કેરિયરોની વ્યવસ્થા કરનારા રિક્રૂટરની ધરપકડ કરવામાં આવી હતી. કેરિયરે આફ્રિકન નાગરિકો પાસેથી સોનું લઇને તેને પિગાળવા અને વધુ પ્રક્રિયા માટે મોકલ્યું હતું.
આપણ વાંચો: મધ્ય પૂર્વના દેશોમાં તણાવ હળવો થવાના સંકેતે વૈશ્ર્વિક સોનામાં એક ટકાથી વધુ ઘટાડો
રિક્રૂટર આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર છે અને તે આફ્રિકાન નાગરિક એવા કેરિયરો પાસેથી સોનું મેળવતો હતો. બાદમાં ઝવેરી બજારમાં લાવીને પિગાળતો અને નજીકના ખરીદદારોને સોંપતો હતો. આરોપીઓની પૂછપરછ બાદ રિક્રૂટરની ઓફિસના પરિસરમાં રેઇડ પાડવામાં આવી હતી, જ્યાંથી 1,90,000 યુએસ ડોલર જપ્ત કરાયા હતા, જે દાણચોરીના સોના માટે એડવાન્સ પેમેન્ટ તરીકે ખરીદદાર દ્વારા તેને સોંપવામાં આવ્યા હતા.
ડીઆરઆઇની ટીમ બાદમાં ખરીદદારની ઓફિસના પરિસરમાં પહોંચી હતી, પરંતુ ખરીદદાર ભાગી છૂટ્યો હતો. ત્યાં તલાશીમાં 351 ગ્રામ વિદેશી મૂળની સોનાની લગડીઓના ટુકડા, 1,818 ગ્રામ ચાંદી, 1.92 કરોડની રોકડ મળી આવી હતી.
ડીઆરઆઇની ટીમને માહિતી મળી હતી કે રિક્રૂટરને આ સોનું લાવી આપનાર આફ્રિકન નાગરિકોએ નજીકના હોટેલોમાં મુકામ કર્યો છે. આથી હોટેલમાં રેઇડ પાડવામાં આવી હતી અને બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચારેય આરોપી સોનાની દાણચોરીમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. (પીટીઆઇ)