વેપાર અને વાણિજ્ય

ફેડરલના વ્યાજદર કપાતની ચિંતા કોરાણે મૂકીને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે સોનામાં તેજીનો ઉકળતો ચરુ

સલામતી માટેની પ્રચૂર માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે વૈશ્ર્વિક સોનામાં બે ટકાનો ઉછાળો

કોમોડિટી -રમેશ ગોહિલ

થોડા સમયગાળા પૂર્વે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે એવા આશાવાદ સાથે સોનામાં ધીમો સુધારો આવી રહ્યો હતો, પરંતુ ત્યાર બાદ ગત માર્ચ મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં આશ્ર્ચર્યજનક રીતે વધારો થયો હોવાના અહેવાલો સાથે જૂન મહિનાથી રેટ કટની શરૂઆતના આશાવાદ પર પાણી ફરી વળ્યું હતું અને સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે ફુગાવાની જાહેરાત બાદ મધ્યપૂર્વના દેશોમાં ખાસ કરીને ઈરાન-ઈઝરાયલ વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવ સાથે યુદ્ધનાં મંડાણ શરૂ થવાની સ્થિતિ સર્જાતા વૈશ્ર્વિક બજારમાં સોનામાં સલામતી માટેની માગ વધી આવતા સોનામાં તેજીનો ચરુ ઉકળવા માંડ્યો હતો અને ફેડરલનાં રેટ કટની તુલનામાં મોટી તેજીનાં મંડાણ થયા હતા અને સતત પાંચમા સપ્તાહમાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં આગેકૂચ જોવા મળતાં સપ્તાહ દરમિયાન બે ટકાનો વધારો જોવા મળ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે સામાન્યપણે યુદ્ધના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગમાં વ્યાપક વધારો થતો હોય છે.

આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં એકતરફી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ગત સપ્તાહે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિતના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૨ એપ્રિલનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૮૧૩ના બંધ ભાવ સામે રૂ. ૭૨,૭૩૨ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ખૂલતી જ રૂ. ૭૨,૭૩૨ની સપાટી અને ઊંચામાં રૂ. ૭૩,૫૯૬ની સપાટી દર્શાવીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૫૯૧ અથવા તો ૦.૮૧ ટકા વધીને રૂ. ૭૩,૪૦૪ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, તાજેતરમાં સોનામાં ફૂંકાયેલા એકતરફી તેજીના પવનને કારણે રોકાણકારો, સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદીથી દૂર રહ્યા હતા. તેમ જ રિટેલ સ્તરની માગ પણ અત્યંત પાંખી રહે છે. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી જૂના સોનામાં રિસાઈકલિંગ અને નફારૂપી વેચવાલીનું પણ દબાણ જોવા મળી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં સોનામાં રાજકીય-ભૌગોલિક તણાવ, ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈને ટેકે સોનામાં તેજી આગળ ધપી રહી છે તેમ છતાં રેટ કટના આશાવાદ પર પાણી ફરી વળ્યું હોવાથી હાલની તેજી ટકાઉ નથી તેમ જ બજારમાં ઓવરબોટ પોઝિશન જણાઈ રહી છે. વૈશ્ર્વિક સ્તરે તણાવ હળવો/શાંત થતાં અથવા તો જ્યાં સુધી કેન્દ્રવર્તી બૅન્કોની પ્રવાહિતાનો ટેકો મળવાનો દૂર થતાં ભાવમાં પીછેહઠ જોવા મળી શકે તેમ છે, એમ એમઆરબી પાર્ટનર્સના સ્ટ્રેટેજિસ્ટે જણાવતાં ઉમેર્યું હતું કે અમે હાલના ભાવ પર સોનામાં લેણ વધારશું નહીં અને આગામી ૬થી ૧૨ મહિના સુધી સોનાના ભાવમાં અત્યંત સંવેદનશીલતા જોવા મળશે કેમ કે ફેડરલ દ્વારા રેટ કટની શક્યતા વિલંબિત થવાથી ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો આવવાની શક્યતા નકારી ન શકાય. નોંધનીય બાબત એ છે કે અમેરિકાના માર્ચ મહિનાના ફુગાવાના ડેટા ઉપરાંત અન્ય ડેટાઓને ધ્યાનમાં લેતા હવે ટ્રેડરો આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે.

ઈરાને ઈઝરાયલ પર કરેલા હુમલાનો જવાબ ઈઝરાયલ જેવા સાથે તેવાની નીતિ અપનાવીને વળતો જવાબ આપે તેવી અટકળો વચ્ચે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજર અને વાયદામાં સોનાના ભાવ ૦.૭ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૩૯૦ .૪૫ ડૉલર અને ૨૩૯૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ગત શુક્રવારે ઈરાનનાં શહેરમાં થયેલા ધમાકાને સૂત્રોએ ઈઝરાયલના વળતા હુમલા તરીકે લેખાવ્યો હતો, પરંતુ તહેરાને તેની ડિફેન્સ યંત્રણામાં વિસ્ફોટ થયો હોવાનું જણાવવાની સાથે ઈઝરાયલ પર હુમલાની કોઈ યોજના ન હોવાનું જણાવ્યું હોવાથી સત્ર દરમિયાન સોનાના ભાવ જે ઉછળીને ઔંસદીઠ ૨૪૧૭ ડૉલર સુધી પહોંચ્યા હતા તેમાં પીછેહઠ જોવા મળી હતી. આમ જો તણાવની સ્થિતિ હળવી થશે તો સોનાના ભાવમાં ઘટાડો આવી શકે, એમ હાઈ રિજ ફ્યુચર્સના મેટલ વિભાગના ડિરેક્ટર ડેવિડ મીજરે જણાવતા ઉમેર્યું હતું કે લાંબા સમયગાળે જ્યારે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની જાહેરાત થશે તે સમયગાળામાં સોનામાં મક્કમ તેજી જોવા મળી શકે છે.

હાલને તબક્કે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે અને વ્યાજદરમાં કાપની ચિંતા કોરાણે મુકાઈ ગઈ છે. જો આગામી સમયગાળામાં અમેરિકામાં ફુગાવાલક્ષી દબાણ જળવાઈ રહેશે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત અંગે ફેરવિચારણા કરી શકે છે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૩૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૪૩૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે તેમ છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧,૦૦૦ની સપાટી ટેકાની સપાટી અને રૂ. ૭૩,૫૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Madhyapradeshમાં જન્મેલા આ Singersના અવાજની દુનિયા છે દિવાની ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક… બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ…