ગોખલે બ્રિજ વિવાદ: 87 કરોડના પ્રોજેક્ટમાં 2 વર્ષના વિલંબ છતાં કોન્ટ્રાક્ટરને 5,000નો દંડ!

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અંધેરીમાં ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના વિલંબિત બાંધકામ માટે કોન્ટ્રાક્ટર પર માત્ર 5,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે, એમ એડવોકેટ ગોડફ્રે પિમેન્ટા દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અપીલમાં ખુલાસો થયો.
આ ખુલાસો અગાઉ મહાપાલિકાના લગભગ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાના દાવાઓને ખોટો પુરવાર કરે છે. RTI જવાબ સાથે જોડાયેલ 19 સપ્ટેમ્બર, 2024ના રોજના ચુકવણી બિલમાં સ્પષ્ટપણે “5000 રૂપિયાનો દંડ” નો ઉલ્લેખ છે. BMCના જવાબમાં જણાવાયું હતું કે, “હાલમાં કામ સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરાયેલ સમયપત્રક મુજબ હાથ ધરવામાં આવી રહ્યું છે.”
પિમેન્ટાએ પૂછ્યું હતું કે,”પ્રોજેક્ટનો ખર્ચ 87 કરોડ રૂપિયાથી વધુ હતો અને તેમાં બે વર્ષનો વિલંબ થયો હતો. અમને પહેલા કહેવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટ ખર્ચના 5-6 ટકા દંડ તરીકે લેવામાં આવશે, જે 3 કરોડ રૂપિયાથી વધુ થશે.એ કેવી રીતે શક્ય છે કે ફક્ત 5000 રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા હોય ?.”
પિમેન્ટાએ ચેતવણી આપી હતી કે આ ભવિષ્યના નાગરિક કરારો માટે ખતરનાક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે. “યોજનાના મહત્વને જોતા યોગ્ય રીતે દંડ લાદવો જોઈએ,” તેમણે કહ્યું.
બીએમસીના પુલ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિલંબના પ્રકારને આધારે દંડ લાદવામાં આવે છે. ગંભીર વિલંબ માટે, સામાન્ય રીતે ગંભીર દંડ લાદવામાં આવે છે.”
આરટીઆઈના જવાબમાં અંતિમ દંડ વિશે કંઈ જણાવવામાં આવ્યું નથી, પરંતુ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજીત બાંગરેએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને દંડને આધીન મુદત વધારવામાં આવી હતી, તેથી તે ચોક્કસપણે લાદવામાં આવશે. કોન્ટ્રાક્ટરને અંતિમ ચુકવણી હજુ બાકી છે અને તે દંડ કાપ્યા પછી જ કરવામાં આવશે.
વધુમાં, દંડની ગણતરી કરારની શરતો અનુસાર કડક રીતે કરવામાં આવશે. એક નિવેદનમાં બીએમસીએ જણાવ્યું હતું કે, “સંબંધિત સ્ટાફને આગામી 2/3 દિવસમાં ગોખલે આરઓબી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર સામે ચોક્કસ દંડ નક્કી કરવા સૂચના આપવામાં આવી છે.”