અંધેરી ઈસ્ટ-વેસ્ટને જોડનારો ગોખલે પૂલ રવિવારે ખુલ્લો મુકાશે

મુંબઈ: અનેક વખત ડેડલાઈન ચૂકી ગયા બાદ અને લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અંધેરી ઈસ્ટ-વેસ્ટને જોડતો મહત્ત્વનો ગોપાળકૃષ્ણ ગોખલે બ્રિજ રવિવાર, ૧૧ મે, ૨૦૨૫થી તેની પૂર્ણ ક્ષમતાએ મુંબઈગરા માટે ખુલ્લો મૂકાશે.
ગોખલે બ્રિજના બાંધકામમાં ટેક્નિકલ અડચણો આવવાને કારણે અનેક વખત તેને ખુલ્લો મૂકવાની ડેડલાઈન સુધરાઈ ચૂકી ગઈ હતી, જેમાં લગભગ ૭.૫ મીટર ઊંચાઈ પરથી ગર્ડર નીચે લાવવામાં અનેક અવરોધ આવ્યા હતા. તો પાલિકાને રેલવે બ્લોક મેળવતા પણ નાકે દમ આવ્યો હતો.
બરફીવાલા પુલ સાથે ગોખલે બ્રિજ લેવલમાં નહીં હોવાને કારણે પાલિકાને ચોતરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કૉન્ટ્રેક્ટર દ્વારા પણ કામમાં ભારે વિલંબ થયો હતો. ગર્ડરના છૂટા ભાગ લાવવામાં મોડું થવાથી કૉન્ટ્રેક્ટરને ત્રણ કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આખરે અનેક અવરોધોને પાર કરીને ગોખલે બ્રિજ તેની પૂર્ણ ક્ષમતાએ મોટાભાગે ૧૧ મેના ખુલ્લો મુકાવાનો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉ ગોખલે અને બરફીવાલા ફ્લાયઓવરના ઉત્તર તરફની બાજુને જોડીને પહેલા તબક્કામાં ૨૬ ફેબ્રુઆરીના તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેથી જુહૂ તરફથી અંધેરી વેસ્ટમાં આવતા વાહનોને રસ્તો ઉપલબ્ધ થયો હતો. હવે આખો બ્રિજ ખુલ્લો મૂકવાને કારણે અંધેરી ઈસ્ટ અને વેસ્ટમાં ટ્રાફિક વધુ સરળ બનશે. ખાસ કરીને ચોમાસામાં વાહનચાલકોને મોટી રાહત મળશે.
અંધેરીનો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજના બીજા તબક્કામાં મુખ્ય કામ એપ્રિલ મહિનામાં જ ૧૦૦ ટકા પૂરું થઈ ગયુ હતું. તેમાં રેલવેની હદનું કામ, બંને બાજુએ ચઢાણ અને ઉતરાણનો રોડ તથા સી.ડી.બરફીવાલા પુલને જોડનારા કનેકટરના કામ વગેરેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. એન.એસ. ફટડે રોડ પરના તેલી ગલી બ્રિજ અને ગોખલે બ્રિજના વચ્ચેના ભાગનું કૉંક્રીટના કામનું ક્યુરિંગ પણ ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના પૂરું થયું હતું. પુલનું મુખ્ય બાંધકામ પૂરું થયા બાદ છેલ્લા તબક્કાના નાનાં-મોટાં કામ ચાલી રહ્યાં હતા, જેમાં ક્રેશ બેરિયર, નોઈઝ બેરિયર, રેલિંગને કલર, થર્મોપ્લાસ્ટર, કેટ આઈઝ, ઈલેક્ટ્રિસિટીના થાંબલા, સાઈનેજ જેવા પણ કામ પણ પૂરા થઈ ગયા છે.
ગોખલે બ્રિજનો અમુક હિસ્સો ત્રણ જુલાઈ ૨૦૧૮માં તૂટી જતા બેનાં મોત અને ત્રણ જખમી થયા હતા. એ બાદ પુલને જોખમી જાહેર કરવામાં આવતા તેને સાત નવેમ્બર ૨૦૨૨માં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પુલના બાંધકામને લઈને અનેક વખત પાલિકા મુદત ચૂકી ગઈ હતી. ગોખલે અને બરફીવાલા ફ્લાયઓવર એક લેવલમાં નહીં હોવાને કારણે તેને લેવલમાં લાવીને તેની એક બાજુ ફેબ્રુઆરી ૨૦૨૪માં ચાલુ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજી બાજુનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ ગયું છે.