મુંબઈ-હાવડા મેલમાંથી ₹56 લાખના ઘરેણાં ચોરનાર ઝડપાયો, પ્રવાસીને માલ પરત કરાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના નાશિકમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓની બેગમાંથી લાખો રૂપિયાના ઘરેણાં ચોરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ઓળખ રાધે ગજ્જુ બિસોને તરીકે થઈ છે. તેની પાસેથી ચોરાયેલા સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા છે, જેની કુલ કિંમત આશરે રૂ. ૫૬.૬૮ લાખ હોવાનું કહેવાય છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારે મુંબઈ-હાવડા મેલ ટ્રેનમાં બની હતી. પીડિત પ્રદીપ કુમાર ધરમપાલ સિંહ ઘરેણાં ભરેલી બેગ સાથે મુસાફરી કરી રહ્યો હતો, જ્યારે ટ્રેન નાશિક પહોંચી, ત્યારે આરોપીએ તક ઝડપી લીધી અને બેગ ચોરીને ફરાર થવાના પ્રયત્નમાં હતો. પ્રદીપ સિંહને પોતાની ઘરેણાંથી ભરેલી બેગ ગાયબ થયાની જેવી જાણ થઇ કે તરત આરપીએફને જાણ કરી હતી.
આ પણ વાંચો: રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકીના બે પકડાયા
ફરિયાદ મળતાં આરપીએફએ તરત શોધખોળ કરી અને ટ્રેનની અંદર પૂરછપરછ કરવાનું શરુ કર્યું. તપાસ દરમિયાન તેમને રાધે ગજ્જુ બિસોને પર શંકા ગઈ જેણે શંકાસ્પદ રીતે બેગ પકડી રાખી હતી. અધિકારીઓએ જ્યારે તેનો સમાન તપાસ્યો તો તેમાંથી પ્રદીપ સિંહના ચોરેલા ઘરેણાં મળી આવ્યા હતા.
આરપીએફના જણાવ્યા અનુસાર બેગમાં 50 તોલાથી વધુના સોના અને ચાંદીના ઘરેણાં હતાં જેનું બજારમૂલ્ય રૂ. ૫૬.૬૮ લાખ જેટલું થાય છે. તેમણે દાગીના તેના મૂળ માલિકને પરત કર્યા હતાં અને વધુ તપાસ માટે આરોપીની ધરપકડ કરી હતી. આરપીએફએ લોકોને વિનંતી કરી છે કે પોતાના કિંમતી સામાનનું વિશેષ ધ્યાન રાખે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની જાણ તરત પોલીસને કરે.