ચેમ્બુરમાં બાળકી સાથે દુષ્કર્મ: બે સગીર પકડાયા
મુંબઈ: ઘર નજીક રમવા ગયેલી 10 વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના ચેમ્બુરમાં બનતાં પોલીસે બે સગીરને તાબામાં લીધા હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મંગળવારની રાતે ચેમ્બુર પરિસરમાં બની હતી. આ પ્રકરણે બાળકીની બહેને નોંધાવેલી ફરિયાદને આધારે ચેમ્બુર પોલીસે ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે બાળકી બહેનપણી સાથે ઘર નજીક રમવા ગઈ હતી. રમીને રાતે ઘરે પાછી ફરી રહેલી બાળકીને એ જ પરિસરમાં રહેતા 14 અને 15 વર્ષના બે સગીર મળ્યા હતા. બેમાંથી એક સગીરના ઘરે કોઈ ન હોવાથી બાળકીને ત્યાં લઈ જવામાં આવી હતી. ઘરના માળિયા પર બન્ને જણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.
બનેલી ઘટનાની જાણ બાળકીએ તેની બહેનને કરી હતી. બહેને પોલીસને જાણ કરતાં બાળકીને તબીબી તપાસ માટે ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ પ્રકરણે પોલીસે તાત્કાલિક પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી બન્ને સગીરને તાબામાં લીધા હતા. સગીરોને બાળસુધારગૃહમાં મોકલી દઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.