શાકભાજીના ટેમ્પોની ટક્કરમાં બાળકીનું મોત

સિંધુદૂર્ગ: સિંધુદૂર્ગના દોડામાર્ગ ઝરેબાંબર ખાતે દોડામાર્ગથી બેળગાવના મુખ્ય રસ્તા પર શાકભાજી લઇ જતા ટેમ્પોએ રસ્તો ક્રોસ કરી રહેલી સાત વર્ષની વિદ્યાર્થિનીને જોરદાર ટક્કર આપી હતી જેમાં બાળકીનું કરુણ મૃત્યુ થયું હતું. પીડિતાની ઓળખ શ્રીયા સંદીપ ગવસ (૭) તરીકે કરવામાં આવી હતી.
સ્કૂલે જતી વખતે શ્રીયાને ટેમ્પોએ ટક્કર મારી હતી. ટેમ્પોના ટાયર નીચે તેનું માથું કચડાઇ ગયું હતું. હૉસ્પિટલમાં દાખલ કરવા અગાઉ જ તેનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ વાહનચાલકને ઢોરમાર માર્યો હતો. તિલારી ઘાટથી પૂરજોશમાં વાહનો આવતા હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે પંચનામા કરીને આરોપીને તાબામાં લીધો હતો.
આપણ વાંચો: ગિરગામની ઈમારતમાં આગ બીમાર માતાને છોડી જવાનો જીવ ન ચાલ્યો ને માતા-પુત્રનું થયું કરુણ મૃત્યુ
આ દરમિયાન ચિપલૂણ ગુહાગર માર્ગ પર ટેમ્પો ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો હતો જેમાં ૧૩થી ૧૫ જણ જખમી થયા હતા. ગુહાગર જતી વખતે ટાયર ફાટવાથી બસ પલટી ખાઇ ગઇ હતી. આ બસ મુંબઈથી ગુહાગર પર્યટકોને લઇને આવી હોવાની માહિતી મળી હતી.