આમચી મુંબઈમહારાષ્ટ્ર
વસઇમાં રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બાળકીનું મોત

મુંબઈ: વસઇના રાનગાંવ ખાતે આવેલા રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબવાથી સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બાળકી તેની દાદી સાથે અહીં આવી હતી. રિસોર્ટના સ્વિમિંગ પુલમાં બાળકીનું ડૂબવાથી મૃત્યુ થયાની મહિનામાં આ બીજી ઘટના છે.
ભાંડુપમાં રહેતી સમીક્ષા જાધવ (7) બુધવારે તેની દાદી સાથે વસઇ પશ્ર્ચિમમાં રાનગાંવ ખાતેના રિસોર્ટમાં આવી હતી. તેમની સાથે અન્ય 14 લોકો પણ હતા. સવારે તમામ લોકો સ્વિમિંગ પુલમાં ઊતર્યા હતા. બપોરે તેઓ જમવા માટે ગયા હતા ત્યારે બાળકી ફરી સ્વિમિંગ પુલમાં ઊતરી હતી. જોકે ઊંડાણનો ખયાલ ન રહેતા તે ડૂબવા લાગી હતી.
બાળકીએ બૂમાબૂમ કરતાં લોકો ત્યાં દોડી આવ્યા હતા. બાળકીને પાણીમાંથી બહાર કાઢી ત્યારે તે બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતાં તેને મૃત જાહેર કરાઇ હતી.