ગાયમુખ ઘાટ રોડના સમારકામ માટે ભારે વાહનોને ઘોડબંદર માર્ગ પર પ્રતિબંધ, આજથી ટ્રાફિક વધશે

મુંબઈ: મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોડબંદરમાં ગાયમુખ ઘાટ રોડ પર સમારકામ કરી રહ્યું છે. આ સમારકામ દરમિયાન ઘોડબંદર વિસ્તારમાં ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ ફેરફારો આજથી સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયા હતા અને ૧૪ ઓક્ટોબરની રાતના ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ટ્રાફિક ફેરફારોને કારણે, મુંબઈ નાશિક હાઇ-વે, ભિવંડી-કશેળી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પર અસર થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ફ્લાયઓવર પર વાહનોના અવરજવરમાં પ્રતિબંધ મૂકાતા ઘોડબંદર ટ્રાફિકજામ
મુંબઈ અને થાણેથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનોને વાય જંક્શન અને કપુરબાવડીમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે. અહીંનાં વાહનો નાશિક થઈને ખારેગાંવ ટોલનાકા, માનકોલી, અંજૂરફાટા માર્ગે અથવા કાપૂરબાવડી, કશેળી થઈને અવરજવર કરશે.
મુમ્બ્રા બાયપાસ, કલવાથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનોને ખારેગાંવ ટોલનાકામાં પર પ્રવેશબંધી રહેશે. આ વાહનો ખારેગાંવ ખાડી પુલ, માનકોલી, અંજુરફાટા થઈને અવરજવર કરશે. નાસિકથી ઘોડબંદર તરફ જતા વાહનોને માનકોલી નાકા પર પ્રવેશબંધી રહેશે. આ વાહનો માનકોલી બ્રિજ નીચેથી વળાંક લઈને અંજુરફાટા થઈને અવરજવર કરશે.
આ પણ વાંચો: ઘોડબંદર રોડ ટ્રાફિક સમસ્યા:ભારે વાહનોને રાતના ૧૨થી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ
ઉપરાંત, ગુજરાતથી ઘોડબંદર તરફ જતા વાહનોને સવારે ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી ગાયમુખ નાકા પર પ્રવેશબંધી હશે. અહીંના વાહનોને ચિંચોટી નાકાથી કામણ અંજુર ફાટા, માનકોલી, ભિવંડી થઈને ડાઇવર્ટ કરવામાં આવશે.