આમચી મુંબઈમહારાષ્ટ્ર

નબળા પાયાને કારણે ઘાટકોપરનું હૉર્ડિંગ તૂટી પડ્યું હતું: મુંબઈ ઈન્સ્ટિટ્યુટનો અહેવાલ

મુંબઈ: ઘાટકોપરમાં ગયે મહિને તૂટી પડેલા વિશાળ હૉર્ડિંગે ૧૭નો ભોગ લીધો હતો. આ દુર્ઘટનાની તપાસ દરમિયાન ટેક્નોલોજીક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પોલીસને આપવામાં આવેલા અહેવાલ મુજબ નબળા પાયા પર આ હૉર્ડિંગ ઊભું કરવામાં આવ્યું હતું, તેને કારણે તે તૂટી પડ્યું હતું.

સામાન્ય રીતે શહેરમાં કોઈ પણ હૉર્ડિંગ ઊભું કરવામાં આવે તો તે પ્રતિ કલાકના ૧૫૮ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનની સામે પણ અડીખમ ઊભું રહી શકે તેવું હોવું જોઈએ. ઘાટકોપરમાં તૂટી પડેલું હૉર્ડિંગ માત્ર ૪૯ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનની સામે ટકી શકે તે મુજબનું હોવાનું બુધવારે સબમિટ કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે.

આ પણ વાંચો: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પાંચ દિવસની પોલીસ કસ્ટડી

અધિકારીના જણાવ્યા મુજબ ઘટનાના દિવસે પવનની ઝડપ ૮૭ કિલોમીટર પ્રતિ કલાકની હતી. ૧૩ મેના રોજ અહીં ધૂળનું તોફાન અને કમોસમી વરસાદ પડતા ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર ૧૨૦ ફૂટ બાય ૧૨૦ ફૂટ કદનું ગેરકાયદે હૉર્ડિંગ તૂટી પડ્યું હતું, જેમાં ૧૭ના મોત થયા હતા. તો ૭૪ લોકો જખમી થયા હતા. આ દુર્ઘટના બાદ પાલિકાએ વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ને હૉર્ડિંગ તૂટી પડવા પાછળના કારણ શોધવા માટે કહ્યું હતું.

વીજેટીઆઈએ બુધવારે ક્રાઈમ બ્રાન્ચને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો, જે હૉર્ડિંગ તૂટી પડવાની ઘટનાની તપાસ કરી રહી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. અધિકારીના કહેવા મુજબ હૉર્ડિંગ અપૂરતા અને નબળા પાયા પર ઊભું કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીના કહેવા મુજબ વીજેટીઆઈના ટેક્નિકલ નિષ્ણાતોએ ઘટના બાદ ફાઉન્ડેશન અને સ્ટ્રક્ચરના થાંભલાના નમૂના એકત્રિત કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button