ઘરમાં ઘૂસીને ચાકુની ધાકે યુવતી સાથે દુષ્કર્મ: સગીર ઘણસોલી સ્ટેશને પકડાયો…

નવી મુંબઈ: નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં બાથરૂમની બારીનો કાચ કાઢીને ઘરમાં ઘૂસેલા 17 વર્ષના સગીરે ચાકુની ધાકે યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું. ઘટના બાદ ફરાર આરોપીને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ઘણસોલી સ્ટેશનેથી પકડી પાડવામાં આવ્યો હતો.
રબાળે પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની મધરાત બાદ 1.45 વાગ્યાની આસપાસ ઘણસોલી પરિસરમાં બની હતી. આસામની બાવીસ વર્ષની મિકેનિકલ એન્જિનિયર યુવતી નવેમ્બરમાં જ ઘણસોલીમાં રહેવા આવી હતી. એકલી રહેતી યુવતી સાનપાડામાં નોકરી કરતી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર મધરાત બાદ આરોપી ગ્રાઉન્ડ ફ્લોર પરની રૂમના બાથરૂમની બારીનો કાચ કાઢીને અંદર પ્રવેશ્યો હતો. પછી બાથરૂમના દરવાજાને નીચેના ભાગમાંથી થોડો તોડીને તે રૂમમાં આવ્યો હતો. રૂમમાં એકલી યુવતીને ભરઊંઘમાં સૂતેલી જોઈ આરોપીએ ચાકુની ધાકે તેને ધમકાવી હતી. ડરાવી ધમકાવીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ આરોપી મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગયો હતો.
આરોપી ફરાર થયા પછી યુવતીએ પોલીસનો સંપર્ક સાધી તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. રબાળે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની અલગ અલગ ટીમ તાત્કાલિક તપાસમાં લાગી હતી. ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે યુવતીએ આરોપીને ઓળખી કાઢ્યો હતો.
આરોપીએ લાઈનવાળો શર્ટ પહેર્યો હતો. તેને આધારે જ પોલીસે તેની શોધ હાથ ધરી હતી. આખરે ઘણસોલી રેલવે સ્ટેશનેથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.ઘણસોલીમાં ફૂટપાથ રહીને માત્ર રખડપટ્ટી કરનારા આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગુનો કબૂલ્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ તેને હાજર કર્યો હતો.



