ગરીબ રથ એક્સપ્રેસ ચોરી કેસ: ₹ 1.82 કરોડની ‘લૂંટ’નું રહસ્ય 72 કલાકમાં ઉકેલાયું, જાણો વિગતવાર

મુંબઈઃ મધ્ય રેલવેમાં 1.82 કરોડ રુપિયાના સોના દાગીનાની ચોરીનો કેસ 72 કલાકમાં સફળતાપૂર્વક ઉકેલવામાં રેલવે પોલીસની સફળતા મળી હતી, જેમાં દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
ચોંકાવનારી વાત એ હતી કે રેલવે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લૂંટ નહિ પણ નકલી ફરિયાદ હતી, જેમાં જ્વેલરી ફર્મના ભાગીદાર સહિત 4 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ, 16 બાળ મજૂરોને કરાવ્યાં મુક્ત
30 સપ્ટેમ્બરના જબલપુર-સીએસએમટી ગરીબ રથ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12187)માં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. સીએસએમટી રેલવે પોલીસ સ્ટેશને સાગર પરીખ નામના પ્રવાસીએ ટ્રેનમાંથી કિંમતી સામાનની ચોરી થયાની એફઆઈઆર નોંધાવી હતી, એમ મધ્ય રેલવેના પોલીસે જણાવ્યું હતું.
ટ્રેનમાં લૂંટ અંગે ફરિયાદીએ કહ્યું હતું કે ટ્રેનમાં મુસાફરી વખતે 1.5 કિલો વજનની સોનાની બંગડીઓ અને સોનાની રિંગની ચોરી થઈ હતી, જેની કુલ કિંમત રુપિયા 1.82 કરોડ હતી. રેલવે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત કલમો અન્વયે નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, ત્યાર બાદ કેસ ખંડવા ડિવિઝનની પોલીસ હદમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભુસાવળ, મુંબઈ અને ખંડવાએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
આપણ વાંચો: વડોદરામાં રેલવે પોલીસે પાંચ બાંગ્લાદેશી ઝડપ્યા, અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા હતા
તપાસ અંગે રેલવે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ટ્રેનના સીસીટીવી ફૂટેજ, મોબાઈલ કોલ રેકોર્ડ્સ (સીડીઆર) અને ડિજિટલ ટ્રેકિંગ વગેરે આધુનિક સાધનોનો ઉપયોગ કરીને સમગ્ર લૂંટ કેસનો પર્દાફાશ કર્યો હતો અને આ કેસમાં ફરિયાદીએ પોતે પોતાના મળવતિયાઓને સાથે મળીને બનાવટી નુકસાનીનો દાવો કરવા માટે યોજના ઘડી હતી.
ટેક્નિકલ પુરાવાના આધારે રેલવે પોલીસે નાશિક જ્વેલરી ફર્મના ભાગીદાર સાગર પારેખ સહિત મુંબઈના ત્રણ સાથીદારની ધરપકડ કરી હતી. પોલીસે ચારેયની પૂછપરછ દરમિયાન બનાવટી લૂંટનો કેસ નોંધાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
પુરાવાઓને આધારે પોલીસે ચોરાયેલા દાગીના આરોપી પાસેથી શોધી કાઢ્યા હતા, જે ખંડવા પોસ્ટમાં ચોરીના સામાન સાથે હાજર થયો હતો. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 52 સોનાની બંગડી, 35 રિંગ કુલ વજન 1.6 કિલો હતું, જ્યારે તેની કુલ કિંમત 1.82 કરોડ હતી, જે જપ્ત કરવામાં આવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. ચારેય જણની ભુસાવળ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભુસાવળ, ખંડવા સહિત મુંબઈ જીઆરપી પોલીસની મજબૂત તપાસને કારણે રિકવરી કરી શકાય છે. રેલવે પોલીસના તાત્કાલિક એક્શનને કારણે મોટી નુકસાની ટળી ગઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.