આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગણેશમંડળોને મંડપ ઊભા કરવા ઓનલાઈન મંજૂરી મળશે

મંડળો પાસેથી વસૂલાશે રૂ.૧૦૦ ની મામૂલી ફી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને છ ઑગસ્ટ, ૨૦૨૪થી વન વિન્ડો સિસ્ટમ હેઠળ મંડપ ઊભો કરવા માટે ઓનલાઈન મંજૂરી આપવામાં આવવાની છે. મંડળો પાસેથી નામ માત્ર ૧૦૦ રૂપિયાની ફી વસૂલ કરવામાં આવશે. તો છેલ્લા ૧૦ વર્ષમાં સરકારી નિયમોનું પાલન કરનારા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને મંડપ ઊભો કરવા માટે સળંગ પાંચ વર્ષની મંજૂરી આપવામાં આવવાની હોવાની જાહેરાત પાલિકા પ્રશાસને કરી છે.

મુંબઈમાં ૧૨,૫૦૦થી વધુ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો આવેલા છે. આ વર્ષે સાત સપ્ટેમ્બરથી સાર્વજનિક ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવવાની છે ત્યારે મંડળોને મંડપ ઊભો કરવા માટે હજી સુધી પાલિકા સહિત જુદી જુદી સરકારી એજેન્સીઓ પાસેથી મંજૂરી મળી ન હોવાની ફરિયાદ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

આ દરમિયાન પાલિકા પ્રશાસને મંગળવાર, છ ઑગસ્ટ સાર્વજનિક ગણેશ મંડળોને વન વિન્ડો યોજના અનુસાર કમ્પ્યુટરાઈસ્ડ સિસ્ટમ દ્વારા મંડપ ઊભો કરવા માટે ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે એવી જાહેરાત ગુરુવારે કરી હતી.

આ પણ વાંચો: ઉત્કૃષ્ટ ગણેશોત્સવ મંડળોનેહવે પાંચ વર્ષ માટે પરવાનગી

મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મુજબ આ વખતના ગણેશોત્સવમાં છેલ્લા ૧૦ વર્ષથી સરકારી નિયમ અને કાયદાનું પાલન કરનારા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને સળંગ પાંચ વર્ષ માટે વોર્ડ મારફત એક જ વખતમાં મંજૂરી આપવામાં આવવાની છે. તે માટે સાર્વજનિક અથવા ખાનગી જગ્યા પર ગણેશોત્સવની ઊજવણી કરનારા મંડળોએ છેલ્લા ૧૦ વષર્ર્ના તમામ નિયમોનું પાલન કર્યું હોવું જોઈએ, તેની સામે કોઈ ફરિયાદ દાખલ થયેલી હોવી જોઈએ નહીં એ મુજબની એફિડેવિડ મંડળોએ આપવાની રહેશે.

વન વિન્ડો યોજના હેઠળ મંડળોની મળેલી અરજી પણ વોર્ડ સ્તરે સ્ક્રુટીની કરવામાં આવશે ત્યારબાદ સ્થાનિક પોલી સ્ટેશન, ટ્રાફિક પોલીસ પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ ઓનલાઈન મેળવીને નિયમ અનુસાર મંડપ માટે મંજૂરી આપવામાં આવશે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આદેશ મુજબ બૃહનમુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડપો માટે વર્ષ ૨૦૨૪ના ઉત્સવ માટે ફક્ત ૧૦૦ રૂપિયાની ફી લાગુ પડશે.

ગણેશ મંડળો પાલિકાની વેબસાઈટ https://portal.mcgm.gov.in પર છ ઓગસ્ટના સવારના ૧૦ વાગ્યાથી વન વિન્ડો સિસ્ટમ હેઠળ અરજી કરી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button