ગજબનો ન્યાયઃ એસી લોકલનું એસી બંધ પડ્યું અને પ્રવાસીઓ સામે થઈ કાર્યવાહી
મુંબઈ: સબર્બન રેલવેમાં વધતી ગરમીને કારણે અનેક લોકોએ એસી લોકલમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ તેને કારણે સમસ્યામાં વધારો થયો છે. એસી લોકલ માટે મોંઘી ટિકિટ લીધા છતાં પ્રવાસીઓને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તાજેતરમાં એસી લોકલ ખોટકાતા પ્રવાસીઓ રોષે ભરાયા હતા. પ્રવાસીઓ તેનો વિરોધ વ્યક્ત કરવા જતા રેલવે પોલીસે તેમની સામે કાર્યવાહી કરતા પ્રવાસીઓએ રેલવે સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કલ્યાણથી રવાના થતી એક એસી લોકલ ટ્રેનનું એસી અચાનક બંધ પડી જતાં ટ્રેનમાં બેસેલા પ્રવાસીઓની ભારે હાલાકી થઈ હતી. એસી બંધ થઈ જતાં પ્રવાસીઓને ટ્રેનની અંદર શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. આ અંગે પ્રવાસીઓએ કલ્યાણ સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો, જેને લીધે સ્ટેશન પરના પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચીને બે પ્રવાસીને તાબામાં લીધા હતા અને ત્યાર બાદ એસી શરૂ કરીને લોકલને રવાના કરવામાં આવી હતી.
આપણ વાંચો: નાણાં પ્રધાન સીતારમણે કર્યો એસી લોકલમાં પ્રવાસ
એસી ટ્રેનોમાં એસી બંધ પડી જવાના અનેક કિસ્સો પ્રકાશમાં આવ્યા છે. આ મામલે અનેક વખત ફરિયાદ કર્યા છતાં પ્રશાસન તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. જોકે કલ્યાણમાં બનેલી ઘટનાને લીધે પ્રવાસીઓને જ નોટિસ ફટકારવામાં આવી હતી, જેને કારણે પ્રવાસીઓને રેલવે પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
એસી લોકલમાંથી રોજે લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે, પણ મોટે ભાગે ટ્રેનોમાં લગાવેલું એસી બંધ રહેતા લોકોને ગરમી સહન કરવા સાથે પ્રવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર એસી લોકલનું એસી બંધ પડી જતાં પ્રવાસીઓએ આ મામલે હંગામો મચાવ્યો હતો.
જોકે રેલવે પ્રશાસને પોતાની ભૂલોને સ્વીકારવાને બદલે પ્રવાસીઓ સામે જ કાર્યવાહી કરી હતી, જેને લીધે લોકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે પ્રવાસી સંગઠને કહ્યું હતું કે રેલવેએ પહેલા પોતાની સિસ્ટમ સુધારવાનું જરુરી છે પછી લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ.